Gujarat

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું

By GS TEAM
13 Dec 20251 min read
મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું

- જીપીસીબીની ઓફિસ નજીક છતાં અધિકારીઓના આંખ આડા કાન

- બાવળા-ચાંગોદર હાઇવે પરના ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની રાવઃ કાર્યવાહી કરવા માંગ

બગોદરા : બાવળા-ચાંગોદર હાઇવે પર મટોડા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં હાઇવેની નજીકની જમીનમાં અચાનક લાલ કલરનું કેમિકલયુક્ત પાણીનું મોટું તળાવ ભરાઈ ગયું છે. લાલચોળ પાણી જોઈને વાહનચાલકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. 

સ્થાનિકોના મતે, આ તળાવમાં અગાઉ પણ અનેક વખત લાલ રંગનું પાણી જોવા મળ્યું છે અને અખબારોમાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે, છતાં પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

સૌથી મોટો સવાલ એ છે કે, આ વિસ્તારથી નજીક ચાંગોદરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ઓફિસ આવેલી છે, તેમ છતાં અધિકારીઓને લાલ પાણી જોવા નથી મળતું? અથવા જાણ હોવા છતાં પગલાં કેમ લેવામાં આવતા નથી? આ વિસ્તારની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા જ નિયમોની અવગણના કરીને ગુપ્ત રીતે આ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની શંકા છે, જે તાત્કાલિક અને ગહન તપાસનો વિષય છે. પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે જીપીસીબી દ્વારા ત્વરિત પગલાં લઈને આ લાલ પાણીના સ્ત્રોેતને શોધી કાઢવો અને જવાબદાર એકમો સામે કાયદાકીય કાર્યવાહી કરવી અનિવાર્ય છે.