માંડવીમાં એસટી ડ્રાઇવરે રિસાઇને પિયર ગયેલી પત્નીને સમજાવીને લાવી હત્યા કરી

- રૂમમાંથી દુર્ગંધ આવતા ઘટના બહાર આવી
- મૂળ મહીસાગરનો દિનેશ ડામોર પત્ની સુમિત્રાનું ગળું દબાવી હત્યા કરી રૂમને તાળું મારી ભાગી ગયો
માંડવી એસ.ટી ડેપોમાં છેલ્લા બે વર્ષથી ડ્રાઇવર તરીકે દિનેશ વેલજીભાઈ ડામોર (મૂળ રહે.ચીતવા, જી.મહીસાગર) નોકરી કરતો છે. દિનેશ ડામોરના વતનમાં પત્ની સુમિત્રા તથા પુત્ર પંકજ સહિત પરિવાર સાથે રહેતા હતાં. દિનેશ ડામોર માંડવીના અંબાજી રોડ ઉપર મકાન ભાડે રાખીને એકલો રહેતો હતો. પત્ની સુમિત્રા (ઉ.વ.૩૮) બાળકો સાથે વતન રહી બાળકોને ભણાવતી હતી. દિનેશ ડામોર એસ.ટી બસમાં માંડવીથી દાહોદ, લુણાવાડા તરફના રૂટ ઉપર નોકરી કરતો હતો. એકાદ દિવસ ઘરે રોકાઈને જતો હતો. જ્યારે પણ દિનેશ વતન ઘરે રોકાય તે સમયે પત્ની સુમિત્રા સાથે નાની-નાની બાબતે બોલાચાલીનો ઝઘડો કરીને કોઈક વાર હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. બે માસ અગાઉ દિનેશે પત્ની સુમિત્રા સાથે ઝઘડો કરતાં સુમિત્રા પિયર નાદુકણ જી.દાહોદ ચાલી ગઈ હતી. થોડા દિવસ બાદ દિનેશ પત્ની સુમિત્રાને સમજાવીને ઘરે લાવ્યો હતો અને દોઢ મહિનાથી માંડવી ખાતે ભાડાના મકાનમાં રહેવા માટે લાવ્યો હતો. તા.૨૮-૦૬-૨૫ના રોજ સાંજે સુમિત્રાએ મોટા પુત્ર પંકજ સાથે ફોન ઉપર સામાન્ય વાતચીત કરી હતી. ત્યારબાદ દિનેશ બસ લઈ દાહોદ ખાતે જતા ઘરે રોકાયને બીજે દિવસે નીકળી ગયો હતો. બાદમાં પંકજની માતાના ફોન ઉપર વાત ન થતાં પિતા દિનેશને ફોન કરતાં દિનેશે હું સુરત પહોંચી ગયો છું, માંડવી જઈને તારી મમ્મી સાથે વાત કરાવીશ તેમ કહી બાદ દિનેશે ફોન બંધ કરી દીધો હતો. દરમિયાન માંડવી ખાતે દિનેશના મકાનમાંથી દુર્ગંધ આવતી હતી અને બહાર તાળું મારેલું હોય માંડવી પોલીસે રૂમમાં દરવાજો ખોલીને જોતા સુમિત્રાની લાશ દુર્ગંધ મારતી હતી.
પોલીસે સુમિત્રાની લાશ કબજે લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવતા સુમિત્રાને ગળું દબાવી શ્વાસ રૂંધાતા મોત થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવતાં માંડવી પોલીસે પંકજની ફરિયાદ લઈ દિનેશ ડામોર વિરૂધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








