વડોદરા,પરિણીતા સાથે ઝઘડો કરી હેરાન કરી ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હતી. જે અંગે મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વાડી વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે,મારા લગ્ન તા. ૨૩ - ૦૫ - ૨૦૧૦ ના રોજ યાકુતપુરા ખાતે રહેતા મોહીનુદ્દીન મલંગભાઇ મનસુરી સાથે થયા હતા. શરૃઆતમાં મને સારી રીતે રાખી હતી. છ મહિના પછી મને ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. લગ્નના ચાર વર્ષ પછી પણ સંતાન નહીં થતા મને પિયરમાં મોકલી દીધી હતી. મેં ભરણ પોષણની નોટિસ મોકલતા મારા પતિ સમધાન કરીને તેડી ગયા હતા.મે - ૨૦૧૭ માં દીકરીનો જન્મ થયો હતો. મારા પતિ રસોઇ બાબતે પણ મારી સાથે ઝઘડો કરી હેરાન કરતા હતા.વર્ષ - ૨૦૨૧ માં મારા સાસુનું મરણ થતા મારા જેઠાણી મને કહેતા કે, તારા પગલાં સારા નથી, તારા લીધે સાસુનું મરણ થયું છે. મને ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારથી હું પિયરમાં રહું છું. ત્રણ વર્ષથી તેઓ મને તેડી જતા નથી.


