કોસાડ આવાસમાં મજાક-મસ્સાતીમાં અવાજ મુદ્દે ઝઘડો થતા ચપ્પુ-ફટકા વડે હુમલો
- મધરાતે પડોશી તરૂણ સાથે મજાક મસ્તી કરતા હતા ત્યારે અવાજ આવતા બાજુની બિલ્ડીંગમાં રહેતા યુવાન સાથે ઝઘડો થયો હતો
સુરત
અમરોલી-કોસાડ આવાસમાં પડોશી તરૂણ સાથે મજાક મસ્તી કરતી વેળા થતા અવાજના મુદ્દે થયેલા ઝઘડામાં પડોશી બિલ્ડીંગમાં રહેતા ચાર યુવાનોએ ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી ત્રણને ઇજા પહોંચાડતા અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરોલી-કોસાડ આવાસમાં રહેતો અને સૂતર ફેણી વેચવાનું કામ કરતા અશોક નહાર જાંટ (ઉ.વ. 21 મૂળ રહે. ગેહલવતા, જિ. અલીગઢ, યુપી) નો રૂમ પાર્ટનર સલમાન ગત રાત્રે પડોશમાં રહેતી 14 વર્ષના મીત સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. મજાક-મસ્તીનો અવાજ સાંભળી બાજુની બિલ્ડીંગમાં રહેતો મુકેશ નામનો યુવાન ઘસી આવ્યો હતો અને અવાજ કરવાની ના પાડતા સલમાન સાથે ઝઘડો થયો હતો. જો કે અશોક અને તેના અન્ય રૂમ પાર્ટનર ઇમરાન, કાલુ, અસુવા, સોનુ અને અક્રમે મામલો શાંત પાડી મુકેશને પરત મોકલી આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ મુકેશ તેના મિત્ર બંટી, ગોકુળ અને તેજસ સાથે ચપ્પુ અને લાકડાના ફટકા સાથે અશોકના રૂમમાં ઘુસી ગયો હતો. જયાં સલમાન સાથે પુનઃ ઝઘડો કરતા અશોક સહિતના રૂમ પાર્ટનર દરમિયાનગીરી કરી હતી. જેથી ઉશકેરાયેલા મુકેશે ચપ્પુના પાંચથી છ ઘા અશોકને ડાબા હાથ, પડખા, હાથ અને પીઠમાં મારી દીધા હતા. અશોકને બચાવવા ઇમરાન અને અંકુશ વચ્ચે પડતા તેમને લાકડાના ફટકા વડે માર મારી ચારેય ભાગી ગયા હતા.