કરજણમાં મનરેગા યોજનાની ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરી 2.72 કરોડ વધુ ચૂકવી ઠગાઈ
કરજણ તાલુકા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત 8 સામે ફરિયાદ
મનરેગા યોજના હેઠળ માલ સામાન પહોંચાડવાની ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરી વધુ બિલ ચૂકવી રૂપિયા 2.72 કરોડની છેતરપિંડી મામલે તાલુકા વિકાસ અધિકારીએ કરજણ તાલુકા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન કર્મચારીઓ સહિત 8 સામે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કરજણ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી જૈમીની બેન પટેલની ફરિયાદ મુજબ, વર્ષ 2021માં કરજણ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત થનાર કામો માટે માલ સામાન સપ્લાય કરવા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ ટેન્ડર જારી કર્યું હતું. જેમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કરજણ દ્વારા મનસ્વી રીતે ક્ષતિયુક્ત ટેન્ડર પ્રક્રિયા કરી વર્ષ 2021 થી 2022 સુધી ધનંજય કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારબાદ એક વર્ષની મુદત વધારી હતી. કરજણ તાલુકાના મનરેગા યોજના હેઠળ થયેલ કામોમાં ગેરરીતી સંદર્ભે તપાસ કમિટી રચવામાં આવી હતી. જેમાં તત્કાલીન તાલુકા પંચાયત કચેરી કરજણમાં ફરજ બજાવતા આઠ કર્મચારીઓએ આર્થિક લાભ મેળવવાના આશયથી ટેન્ડર પ્રક્રિયાની શરતોનો ભંગ કરી ઇજારો આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને મંજુર થયેલ ભાવે ન કરી એસ. ઓ. આર.ભાવે સીધું ચૂકવણું કરી ટેન્ડરની મુદતમાં વધારો કરી કુલ રૂ. 5, 36,80,757 ચૂકવ્યા હતા. જેમાં રૂ.2,72,98,540 વધુ ચૂકવી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે કરજણ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત તથા છેતરપિંડી મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
........
આરોપીઓના નામ
1) સિરાજ મનસુરી (તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ)
2) એ.એ. માણકી (તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ)
3) જીતેન્દ્ર પરમાર (તત્કાલીન એ.પી.ઓ.)
4) ધર્મેશ ઘેલાણી (તત્કાલીન એ.પી.ઓ.)
5) પી.ડી.સેનમા (તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી)
6) એસ.એન. ગાવીત (તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી)
7) કે.એચ.શાહ (તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી)
8) ઉજ્જવલ પટેલ (એ.એસ.એમ કંપની એન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)