જામનગરના પ્રખ્યાત મીઠાઈ પેઢીનાં વિક્રેતાનો રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાત
સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીકનો અરેરાટીજનક બનાવ : 6 માસ પહેલા જ પોતાના પત્નીનું અવસાન થયા બાદ ગુમસૂમ રહેતા વેપારીએ બાલનાથ મંદિરની માનતા માની હતી, ત્યાં જ ભરેલા પગલાંનું કારણ અકબંધ
જામનગર, : જામનગરની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલાના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (ઉં. 85)એ આજે સવારે 6 વાગ્યાના અરસામાં નાગેશ્વર વિસ્તારમાં પોતાની રિવોલ્વરમાંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને શહેરમાં ભારે ગમગીની ફેલાઈ છે.
જયંતભાઈ વ્યાસ કે જેમના પત્ની ઉમાબેનનું આજથી છ માસ પહેલા વાહન અકસ્માતમાં ઈજા થયા બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યારપછી તેઓ ગુમસુમ રહેતા હતા. તાજેતરમાં એક સપ્તાહ માટેની સિધ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા માની હતી અને પ્રતિદિન એક રીક્ષામાં વહેલી સવારે બેસીને તેઓ દર્શનાર્થે જતા હતા. આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું અને પોતે રોકાયા હતા. ત્યારબાદ કોઈ કારણસર લમણામાં ગોળી મારી લીધી હતી. જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓને સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું.