Get The App

ગોંડલમાં પાડોશીએ ઘરમાં પ્રવેશી નવોઢાના દાગીના સહિત અઢી લાખની ચોરી કરી

Updated: Nov 24th, 2022

GS TEAM

Google News
Google News
ગોંડલમાં પાડોશીએ ઘરમાં પ્રવેશી નવોઢાના દાગીના સહિત અઢી લાખની ચોરી કરી 1 - image


ઘરના બધા રિસેપ્શનમાં ગયા પછી પાછળથી હાથફેરો કરી લીધો : રાત્રે અગાસી ટપી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ ચાર શખ્સોએ ઉઠાવી લીધા,પહેલા પાડોશીએ સમાધાન કર્યુ પછી મુદામાલ ન આપતા આખરે ફરિયાદ

 ગોંડલ, : અહીના ગુંદાળા શેરીમાં રહેતા એક રેડીમેઈડ કપડાના વેપારીના પુત્રના લગ્ન બાદ  યોજાયેલા રિસેપ્શનમાં સૌ કોઈ મહેમાનો મેમણજ્ઞાાતિની વાડીએ રોકાયા હતા એ સમયે તકનો લાભ લઈ પાડોશમાં રહેતા ચાર શખ્સોએ ઘરધણીની ગેરહાજરીમાં દીવાલ ટપીને પ્રવેશી નવોઢાના દાગીના, રોકડ સહિત કુલ અઢી લાખની મત્તાની ચોરી કર્યાની ઘટના બાબતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 

બનાવની વધુ વિગત મુજબ ગુંદાળાશેરીમાં રહેતા અને દેવપરાવિસ્તારમાં મુન્ના ગારમેન્ટ નામે રેડીમેઈડ કપડાની દુકાન ધરાવતા તોફીકભાઈ મજીદભાઈ શૈલીના દીકરાના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. એ પછી પરિવારે મેમણ સમાજની વાડીએ રિસેપ્શન રાખ્યું હતુ.અને   સમગ્ર પરિવાર વાડીએ રોકાયો હતો. આ વખતે ઘરે કોઈ ન હોવાની તકનો લાભ લઈને પાડોશમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહંમદહુશેન ખાલીદભાઈ દયાળા, સોબતેન શબ્બીર મીકાણી, યુમઅનીશ ડબ્બાવાલા, વગેરેએ  તોફીકભાઈના રેઢાં ઘરમાં પ્રવેશી ઘરના બારણાને તોડી નાંખી કબાટમાં રાખેલા 1,86,000  ના દાગીના, તેમજ રોકડા રૂા. 30,000 મળી કુલ રૂા. 2,56,000ની માલમતાની ચોરી કરી લીધી હોવાનો આક્ષેપ થયો છે. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

આ બાબતે ફરિયાદીએ પોલીસને શક દર્શાવીને કહ્યું હતુ કે ઘરની બાજુમાં રહેતા દાઉદ યાકુબ દયાળા અને નામોલ્લેખ કરાયેલા બધા શખ્સોની હાજરી અમારા ઘરની નજીકમાં હોવાથી અમોને તેના પર શંકા જતાં અમારા વેવાઈ સલીંમભાઈ આરીફભાઈ વેદ સહિત સમાજના આગેવાનોને ઘરમાં ચોરી થયાની હકીકતથી વાકેફ કરાયા હતા. જેના અનુસંધાને ઉપરોકત ચારેયને બોલાવ્યા હતા.તેની પુછપરછ અને સમજાવટ કરતા  ઉપરોકત શખ્સોએ અમારા ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. બે દીવસમાં બધી ચીજવસ્તુ પરત આપી દેવાની વાત કરેલી હતી. પણ આજ સુધી પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અને ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોધી વિશેષ તપાસ હાથ ધરી છે. 

Tags :