જેન્ડર રેશિયોમાં માનવ કરતાં સાવજ સવાયા: સિંહોથી વધુ સંખ્યા સિંહણની
47.96 ટકા સિંહ બિનજંગલ વિસ્તારોમાં દેખાયાની સત્તાવાર નોંધ 2010ના દાયકા સાપેક્ષ 2020ના દશકમાં સિંહની વસતી 64 ટકા વધી અને વિહાર વિસ્તાર ફાટફાટ- દોઢગણો થયો
રાજકોટ, : દર હજાર પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ ગુજરાતમાં 919 (ભારતભરમાં 940) જેવું હોવાની બાબત ચિંતાજનક મનાય છે ત્યારે એશિયાટિક લાયન્સ આ મામલે માનવી કરતાં એક કદમ આગળ જણાય છે! વર્ષ 2020નાં પૂનમ અવલોકન (ગણતરી) મુજબ, રાજ્યમાં જંગલના રાજા સિંહ કરતાં સિંહણની વસતી વધુ જોવામાં આવી છે.
ગીર જંગલના પૂનમ અવલોકન 5-6 જૂન, 2020ના અહેવાલ મુજબ, ગીરમાં પુખ્ત સિંહની સંખ્યા 161 સામે સિંહણની સંખ્યા 260 છે. જ્યારે સબ એડલ્ટ સિંહ 45 તો સબ એડલ્ટ સિંહણ 49 છે. જ્યારે 22ની જાતિ જાણી શકાઈ નથી. 137 સિંહબાળ છે. કુલ મળીને 674 સિંહ વસતી જોવાઈ છે. ગીરમાં પુખ્ત સિંહ-સિંહણની વસતીનો રેશિયો 1: 1.61 જોવામાં આવ્યો છે.
આ અવલોકનમાં 674 સિંહ વસતી કુલ મળીને 294 સ્થળો પર જોવા મળી છે. તેમાંના 52.04 ટકા સિંહ જંગલ વિસ્તારમાં જોવા મળ્યા છે, જ્યારે 47.96 ટકા બિન જંગલ વિસ્તારમાં દેખાયા હતા, જેમાં 26.19 ટકા સિંહ વેરાન જમીન, 13.27 ટકા સિંહ ખેતી વિસ્તાર, 3.74 ટકા સિંહ નદીકાંઠા વિસ્તાર, 2.04 ટકા સિંહ એગ્રિકલ્ચરલ પ્લાન્ટેશન, 2.04 ટકા સિંહ માનવ વસતી નજીક જ્યારે 0.68 ટકા ઔદ્યોગિક વિસ્તાર નજીક જોવા મળ્યા હતા.
વર્ષ 2015માં સિંહની વસતી 523 નોંધાઈ હતી, જે અગાઉના વર્ષો કરતાં 27 ટકા વધુ હતી. પરંતુ વર્ષ 2020માં સિંહની વસતી 674 થઈ છે, જે અગાઉના વર્ષ કરતાં 28.87 ટકાની, છેલ્લા કેટલાક સમયની સર્વાધિક વૃદ્ધિ દર્શાવે છે.
વર્ષ 2015માં સિંહ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં 22,000 કિલોમીટર વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યારે વર્ષ 2020માં સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં 30,000 કિલોમીટરમાં જોવા મળ્યા છે. તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના 53 તાલુકાઓનો સમાવેશ થાય છે. આમ, સિંહ લેન્ડ સ્કેપમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2020માં 36 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
જો એક દાયકાનો સમયકાળ સાથે જોવામાં આવે તો, અગાઉના દાયકા 2010 કરતા ગત દાયકા 2020માં સિંહની વસતીમાં 64 ટકાનો વધારો જોવા મળે છે. 2010માં 20,000 ચોરસ કિલોમીટરમાં 411 સિંહ હતા તેની સામે 2020માં 30,000 ચો.કિ.મી.માં 674 સિંહ છે.
સાવજની બીચ વોક! બે જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં 87 સિંહ
પૂનમ અવલોકન-2020 મુજબ, કુલ નવ સેટેલાઇટ વિસ્તારોમાં સિંહની વસતી જોવા મળી છે, જેમાં સૌથી વધુ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં 334 સિંહ જોવા મળ્યા છે. પાણીયા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં 10 સિંહની વસતી, મિતિયાળા અભયારણ્યમાં 16 , ગિરનાર અભયારણ્યમાં 56 , દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ કાંઠા (સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ) ક્ષેત્રમાં 20, દક્ષિણ-પૂર્વ દરિયાઈ કાંઠા (રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી)માં 67, સાવરકુંડલા-લીલીયા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં 98 , ભાવનગર મેઇન લેન્ડમાં ૫૬, જ્યારે ભાવનગર દરિયાકાંઠામાં 17 સિંહની વસતી જોવા મળી છે.