છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: AI |
Family Court: ‘જનમોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી, આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી...' મેઘબિંદુની આ પ્રખ્યાત ગુજરાતી રચના લગ્નસાગરમાં વધી રહેલી વમળની ઘટના માટે હાલ જાણે લાગુ પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી છૂટાછેડાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છૂટાછેડાના કેસ ચાલી રહ્યા હોય ત્યારે ભરણપોષણના મામલે પતિ કે પત્નીએ તેમની આવકને મામલે એફિડેવિટ દાખલ કરવું પડે છે. જોકે, હવે એફિડેવિટમાં દર્શાવેલી આવક સાચી છે કે કેમ તે ચકાસવા માટે પણ ‘ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેટર્સની મદદ લેવાનો ટ્રેન્ડ વધ્યો છે.
ફેમિલી કોર્ટના કેસમાં વધારો
ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં ફેમિલી કોર્ટના કેસમાં બમણો વધારો થયો છે. 2023માં 27,194 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 62146 થયા છે. જેના ઉપરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. વર્ષ 2024માં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત
ગુજરાતની ફેમિલી કોર્ટમાં કેસની સ્થિતિ
| વર્ષ | નવા કેસ | પેન્ડિંગ કેસ |
| 2021 | 18,508 | 35,335 |
| 2022 | 24,910 | 34,761 |
| 2023 | 27,194 | 31,954 |
| 2024 | 44,037 | 50,128 |
ભરણપોષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન
છૂટાછેડાના કેસમાં બીજો તબક્કો કલમ 144 - ભરણપોષણ (ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા) નો કેસ ફાઇલ કરવામાં આવે છે. ભરણપોષણના મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ પતિ અને પત્ની બંનેએ પોતાની આવક અંગે એફિડેવિટ ફાઇલ કરવાનું હોય છે. ઘણીવાર પત્ની નોકરી કરતી હોવા છતાં નોકરી ન કરતી હોવાનું જણાવે છે અને પોતાની ઓછી આવક દર્શાવે છે. વળી, બીજીબાજુ ભરણપોષણ તરીકે વધુ રકમ આપવી ન પડે તે માટે પતિ તેની સાચી આવક જાહેર નથી કરતા.
ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેટરની મદદ લેવાનું પ્રમાણ વધ્યું
ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ આઈ.એમ. ખોખરે જણાવ્યું કે, 'પતિ કે પત્ની દ્વારા એકબીજાની આવકની સાચી માહિતી અને પુરાવા મેળવવા માટે બહાર આવે તે માટે ડિજિટલ ડિટેક્ટિવ કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેટરની મદદ લેવાનું પ્રમાણ વધ્યું છે. જો ઇન્વેસ્ટિગેટર દ્વારા મળેલી માહિતીને આધારે પતિ કે પત્નીએ કોર્ટમાં ખોટું એફિડેવિટ ફાઇલ કર્યાનું પુરવાર થાય તો કાયદા મુજબ સજાની પણ જોગવાઈ છે.
આ પણ વાંચોઃ મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા
60 ટકા કેસમાં સાચી માહિતી છુપાવવામાં આવે છે
જાણકારોના મતે ભરણપોષણ મામલે જે એફિડેવિટ ફાઇલ થાય છે તેમાં 60 ટકા કેસમાં આવકની સાચી માહિતી છુપાવવામાં આવે છે. જેમાંથી 30 ટકા લોકો પોતાના લાભ માટે આવકની સાચી માહિતી છુપાવતા હોય છે જ્યારે અન્ય 30 ટકા કાયદાની અજ્ઞાનતા ને લીધે અપૂરતી માહિતી આપે છે. ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટે જણાવ્યું કે, ‘ખાસ કરીને ધનાઢ્ય પરિવારમાં છૂટાછેડાનો કેસ હોય ત્યારે તેમાં આવકનું સાચું ચિત્ર જાણવા માટે ફાઇનાન્સિયલ ઈન્વેસ્ટિગેટરની મદદ લેવાતી હોય છે.
ભરણપોષણની રકમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે?
છૂટાછેડા બાદ ભરણપોષણની રકમ કેટલી ચૂકવવી તેના અંગે કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી. આ રકમ નક્કી કરતાં અગાઉ બંને પક્ષની આવક, સામાજિક-આર્થિક દરજ્જો, જવાબદારીઓ જેવા વિવિધ પાસાં ચકાવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે એક યુવતી ધનાઢ્ય બિઝનેસમેન સાથે છૂટાછેડા લે છે. આ યુવતી ખૂબ જ સારૂ શિક્ષણ ધરાવતી હોવા છતાં કોર્ટ એ બાબત ઘ્યાને લે છે કે તેણે પતિને ટેકો આપવા કારકિર્દીનું બલિદાન આપ્યું છે. આ સ્થિતિમાં છૂટાછેડા બાદ પણ યુવતિની લાઇફ સ્ટાઇલમાં કોઇ ફરક પડે નહીં તેટલી ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવે છે.
ફાઇનાન્સિયલ ઈન્વેસ્ટિગેટર્સ શું ચકાસતા હોય છે?
- જીવનસાથીની અન્ય આવકના સ્ત્રોત, કઈ બેન્કમાં કેટલાં એકાઉન્ટ તેમજ મિલકત સહિતની માહિતીની તપાસ.
- પતિ કે પત્નીની જેની પણ આર્થિક સ્થિતિની વિગતોની તપાસ કરવાની હોય તે વ્યક્તિનાં નોકરી કે બિઝનેસના સ્થળેથી જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે.
- આ માહિતી કોર્ટમાં રજૂ કરવા માટે જ પતિ કે પત્નીને આપવામાં આવે છે તેવી બાહેંધરી લેવામાં આવે છે, જેથી તેનો દુરૂપયોગ ન થાય.









