Get The App

ધારીમાં મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકાથી ભારે દોડધામ

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
ધારીમાં મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકાથી ભારે દોડધામ 1 - image


મૂળ અમદાવાદના રહેવાસી હોવાનાં પુરાવા આપતા છોડી મુક્યો : મદરેસામાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં, પણ મોબાઈલ ફોનમાં 'પાકિસ્તાન' અને 'અફઘાનિસ્તાન' નામે બે વ્હોટ્સઅપ ગૃપ મળતા તપાસ શરૂ

અમરેલી, : જમ્મુ-કાશ્મીરનાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરની પોલીસ એક્શન મોડમાં છે. ગુજરાતમાંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી નજીક હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાની ગતિવિધિ શંકાસ્પદ લાગતા પોલીસે અટકાયત કરીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. જેમાં મદરેસામાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં, પણ મોબાઈલ ફોનમાં 'પાકિસ્તાન' અને 'અફઘાનિસ્તાન' નામે બે વ્હોટ્સઅપ ગૃપ મળતા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકારની સુચનાથી અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. પરિણામે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી)એ ખાનગી રાહે તપાસ કરતા માહિતી મળી હતી કે, હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ છેલ્લા ઘણા સમયથી અહીં આવ્યા છે અને તેમની હીલચાલ શંકાસ્પદ છે. 

અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું કે, અમરેલી એસઓજી ટીમે બાતમીના આધારે ગઈકાલે ધારીના હિમખીમડીપરામાં આવેલી 'મદરેસા એ દિનેમહમ્મદી' ખાતે દરોડો પાડીને મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખની પુછતાછ કરી હતી. જેમાં તેમની પાસે ઓળખ-રહેઠાણનાં પુરાવા માંગતા અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાંથી છેલ્લા ત્રણેક વર્ષથી અહીં ધારીના મદરેસામાં આવ્યા જણાવ્યું હતું. જેના પુરાવા પણ આપ્યા હતા. આ સાથે પોલીસે મદરેસામાં જડતી પણ લીધી હતી, પણ કંઈ શંકાસ્પદ હાથ લાગ્યું નહોતું. જો કે, પોલીસે મૌલાના મોહંમદફઝલ શેખનો મોબાઇલ ફોન ચકાસતાં વ્હોટસએપ એપ્લિકેશનમાં 'પાકિસ્તાન' અને 'અફઘાનિસ્તાન' નામનાં સોશ્યલ મીડિયા ગૃપ મળી આવ્યા હતા. જેથી મૌલાના સામે જાણવાજોગ એન્ટ્રી કરીને તપાસ આગળ ધપાવાઈ હતી. જો કે, બાદમાં આજે બપોરે વધુ તપાસન જરૂરીયાત નહીં જણાતા પોલીસે મૌલાનાને મુક્ત કરી દીધા હતા.


Tags :