ભાવનગર મહાપાલિકામાં ઓગષ્ટ માસમાં 2690 કરદાતાએ રૂા. 5.25 કરોડનો મિલકત વેરો ભર્યો
- મહાપાલિકાને અત્યાર સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. 132.48 કરોડની આવક
- મિલકત વેરો વસુલવા સીલ મારવાની કાર્યવાહી કરાતા બાકીદારોમાં ફફડાટ
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવામાં આવી રહ્યા છે, જેના પગલે મહાપાલિકાને દર માસે વેરાની આવક વધી રહી છે.
મહાપાલિકાને ગત ઓગષ્ટ માસમાં મિલકત વેરાની કુલ રૂા. પ.રપ કરોડની આવક થઈ છે અને કુલ ર,૬૯૦ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મહાપાલિકાને તા. ૧ એપ્રિલ-ર૦રપ થી લઈ અત્યાર સુધીમાં કુલ રૂા. ૧૩ર.૪૮ કરોડની મિલકત વેરાની આવક થઈ છે અને કુલ ૧.૭૬ લાખ કરદાતાએ વેરો ભર્યો છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે.
મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેથી બાકીદારોને મિલકત વેરો ભરી દેવા માટે મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. મહાપાલિકાની કાર્યવાહીના પગલે છેલ્લા પાંચ માસમાં મિલકત વેરાની સારી આવક થઈ હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
કાર્પેટ એરિયાની કુલ રૂા. 130.81 કરોડની આવક થઈ
ભાવનગર મહાપાલિકાને કાર્પેટ એરિયા પધ્ધતિમાં કુલ રૂા. ૧૩ર.૪૮ કરોડની આવક થઈ છે, જેમાં રિબેટ યોજનાના પગલે મહાપાલિકાને એપ્રિલ માસમાં સારી આવક થઈ હતી અને ત્યારબાદ મે માસમાં રિબેટ યોજના ઘટી હતી એટલે આવક ઘટી હતી. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાને મિલકત વેરો વસુલવાની કામગીરી કરવી પડી રહી છે અને આ કામગીરી હજુ લાંબી ચાલશે તેમ જણાય રહ્યુ છે.
જુની કરપધ્ધતિમાં માત્ર રૂા. 1.67 કરોડની આવક
ભાવનગર મહાપાલિકા દ્વારા જુની કર પધ્ધતિમાં પણ મિલકત વેરો વસુલવાની કામગીરી યથાવત છે અને જુની કર પધ્ધતિમાં વેરો વસુલ કરવા માટે લાંબા સમયથી સ્કીમ આપવામાં આવેલ છે, જેના પગલે અત્યાર સુધીમાં મહાપાલિકાને માત્ર રૂા. ૧.૬૭ કરોડની આવક થઈ છે. જુની કરપધ્ધતિમાં હજુ ઘણા કરદાતાનો વેરો બાકી છે ત્યારે મહાપાલિકાએ લાલ આંખ કરવી જરૂરી છે.