Gujarat

અસારવા વોર્ડમાં આવેલા જહાંગીરપુરા વિસ્તારમાં ઉભરાતી ગટરના મુદ્દે ધારાસભ્યને લોકોએ ઘેર્યા

By GS TEAM
11 Jul 20251 min read
અસારવા વોર્ડમાં આવેલા  જહાંગીરપુરા વિસ્તારમાં ઉભરાતી ગટરના મુદ્દે ધારાસભ્યને લોકોએ ઘેર્યા

  અમદાવાદ,શુક્રવાર,11 જુલાઈ,2025

અસારવા વોર્ડમાં આવેલા જહાંગીરપુરા વિસ્તારમાં ગટર ઉભરાતી હોવાછતાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા દેખાતા નહીં હોવાના આક્ષેપ સાથે શુક્રવારે સ્થાનિક રહીશોએ તેમને ઘેરી ગટર અને પ્રદૂષિત પાણી સહીતના પ્રશ્નો નહીં ઉકેલાતા હોવા અંગે ઉગ્ર રજુઆત કરી હતી.બે મહીનાથી ગટરના પાણી બેક મારે છે.કોર્પોરેશનમાં રજુઆત કરીએ તો પણ કોઈ જોવા પણ આવતુ નહીં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

શાહીબાગ વોર્ડમાં આવેલા જહાંગીરપુરા વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર આવેલી ડ્રેનેજલાઈનમાં  ૨૦ ફુટ ઉંડા મશીનહોલમાં બ્રેકડાઉન થયુ હોવાથી ડ્રેનેજલાઈન બેક મારવાની સમસ્યા થવાથી  આ વિસ્તારમાં રહેતા રહીશોને પ્રદૂષિત પાણી પીવા મળી રહયુ છે.દરમિયાન શુક્રવારે ધારાસભ્ય દર્શના વાઘેલા ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોર ચોપડા વિતરણ કાર્યક્રમ પુરો કરી સિવીલ હોસ્પિટલ પાસે આવેલા જહાંગીરાપુરા વિસ્તાર પહોંચ્યા તે સમયે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈ તેમને ઘેરી લીધા હતા.પરિસ્થિતિ વધુ વણસે એ પહેલા ધારાસભ્યને સ્થળ ઉપરથી રવાના કરી દેવાયા હતા.મધ્યઝોનના એડીશનલ સિટી ઈજનેર અમિત પટેલના કહેવા મુજબ, આ સ્થળે સી.સી.ટી.વી.મશીનથી ડિસિલ્ટીંગ કરાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી ટુંકસમયમાં શરુ કરાશે.આ કામગીરી પુરી થયા બાદ આ વિસ્તારમાં ગટરના પાણી બેક મારવાની સમસ્યા નહીં રહે.