આણંદમાં 4,164 પાત્રોમાં પોરા જણાતા 1.97 લાખ દંડ વસૂલાયો
મનપાની 45 ટીમોનો 56,147 ઘરોમાં સર્વે
155 દુકાનો- સંસ્થાઓને નોટિસ : મચ્છરો જણાશે તો 15 હજારનો દંડ અને બિલ્ડિંગ સીલ કરાશે
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની તુને ધ્યાનમાં લઈ ૪૫ જેટલી ટીમ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરથી ફેલાતા રોગ અટકાયત માટે ખાસ ઝુંબેશ અંતર્ગત ૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરવામાં આવ્યો હતો. ૧૫૫ દુકાન, સંસ્થાઓ ખાતે ડેન્ગ્યુ મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી સબંધે નોટિસ પણ આપવામાં આવી છે. ૪૧૬૪ પાત્રોમાં પોરા જોવા મળતા કુલ રૂપિયા ૧,૯૭,૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા આણંદના શહેરી વિસ્તારમાં જો કોઈપણ સોસાયટી, બાંધકામ સાઈટ, શાળા - કોલેજો, હોસ્ટેલો, હોટલ, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મોલ, સિનેમા, શોપિંગ સેન્ટર, બાગ બગીચા, ધામક સામાજિક સંસ્થાઓના કેમ્પસ, ખાનગી ઓફિસો અને ફેક્ટરીઓમાં મોટા પ્રમાણમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો રૂ.૫૦૦થી રૂ.૧૫ હજાર સુધીનો દંડ વસૂલ કરવા સાથે બિલ્ડિંગ પણ સીલ કરાશે તેમ મ્યુનિ. હેલ્થ વિભાગે જણાવ્યું છે.