For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તરઝોનમાં આવેલા તમામ વોર્ડમાં મ્યુનિસિપલ તંત્ર વિકાસકામ કરાવી સદી પુરી કરશે,૧૦૪ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

વિવિધ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામ ઉપરાંત કોર્પોરેટર બજેટમાંથી આર.સી.સી.ના બાંકડા મુકવા માટે ગ્રાન્ટની ફાળવણી

Updated: Sep 23rd, 2022

Article Content Image

અમદાવાદ,શુક્રવાર,23 સપ્ટેમ્બર,2022

દિવાળી પર્વ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઉત્તર ઝોનમાં આવેલા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામ હાથ ધરી વિકાસકામની સદી પુરી કરવા ઉત્તર ઝોનના આસીસ્ટન્ટ મેનેજર(વહીવટ) દ્વારા ઈ-ટેન્ડર બહાર પાડી ટેન્ડરરો પાસેથી વિકાસકામ કરવા અંગે ઓફર મંગાવવામાં આવી છે.વિવિધ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામ ઉપરાંત કોર્પોરેટર બજેટની ગ્રાન્ટમાંથી આર.સી.સી.નાં બાંકડા મુકવામા આવનાર છે.

ઉત્તર ઝોનના આસીસ્ટન્ટ મેનેજર(વહીવટ) દ્વારા બે અલગ અલગ ફેઝમાં વિકાસકામ હાથ ધરવા અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.પહેલા ફેઝમાં ૧થી ૫૧ અને બીજા ફેઝમાં ૫૨થી ૧૦૪ કામ હાથ ધરવામાં આવશે.આ તમામ કામ અંગેના ટેન્ડબીડ આવતા મહિને છ અને સાત ઓકટોબરના રોજ ખોલવામાં આવશે.નરોડા તેમજ ઠકકર બાપાનગર વોર્ડમાં તથા અન્ય વોર્ડમા રસ્તા રીસરફેસ કરવા કુલ ૧૫૦૦૦૦૦૦ રુપિયાની રકમનો ખર્ચ કરવામા આવશે.ઈન્ડિયાકોલોની,બાપુનગર,સરસપુર-રખિયાલ વોર્ડ તથા અન્ય વોર્ડમા ઈન્ટરનલ હયાત ડ્રેનેજ લાઈનો,સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો સી.સી.ટી.વી.કેમેરાથી સુપર સકર મશીન દ્વારા ડીસીલ્ટીંગ કરાવવા માટે વાર્ષિક રેઈટ ટેન્ડરથી રુપિયા ૧૪૯૯૯૫૨ની રકમનો કોન્ટ્રાકટ આપવામાં આવશે.

ઈન્ડિયા કોલોની વોર્ડમાં જુદી જુદી જગ્યાએ આવેલી ચાલીઓમા અને અન્ય વિસ્તારમા પાણીનું પ્રેશર વધારવા તથા પોલ્યુશનની કામગીરી કરવામાં આવશે.ઉપરાંત કોર્પોરેટર,ધારાસભ્યના બજેટની ગ્રાન્ટમાંથી રુપિયા ૨૭૦૦૦૦૦ની રકમથી આર.સી.સી.ના બાંકડા મુકવામાં આવશે. સરસપુર-રખિયાલ વોર્ડમાં અલગ અલગ સ્થળોએ નવી કેચપીટ તથા નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા વાર્ષિક રેઈટથી કોન્ટ્રાકટ આપવા કુલ રુપિયા ૧૫૦૦૦૦૦ની રકમની ફાળવણી કરવામાં આવી છે.વોર્ડમાં ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનોના બ્રેક ડાઉન રીપેરીંગ માટે કુલ રુપિયા ૧૨૦૦૦૦ની રકમનો ખર્ચ કરવામાં આવશે.ઠકકરબાપાનગર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ હેન્ડ લેઈંગથી રસ્તાઓ ઉપર પેચવર્ક કરવા વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટથી ટેન્ડર આપવા કુલ રુપિયા ૧૦૦૦૦૦૦ જેટલી રકમની ફાળવણી કરવામા આવી છે.સૈજપુર વોર્ડમાં જુદા જુદા સ્થળોએ આર.સી.સી.ના રોડ  બનાવવા તથા પેવરબ્લોક નાંખવા વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટથી કામગીરી સોંપવા રુપિયા ૩૫૦૦૦૦૦ જેટલી રકમની ફાળવણી કરવામા આવી છે.

૩૫ ઈંચ ઉપરાંત વરસાદ છતાં ટેન્કરથી પાણી સપ્લાય કરવામા આવશે

આ વર્ષે અમદાવાદ શહેરમાં મોસમનો ૩૫ ઈંચ ઉપરાંત વરસાદ થવા પામ્યો છે.આમ છતાં સ્માર્ટસીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા ઉત્તરઝોનમા આવેલા જુદા જુદા વોર્ડ અને તેના વિસ્તારમા ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરવા ટેન્ડર બહાર પાડવામા આવ્યુ છે.નરોડા વોર્ડમા આવેલા વિવિધ વિસ્તારોમા ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરવા માટે રુપિયા ૩૫૦૦૦૦૦ની રકમની ફાળવણી કરવામા આવી છે.સરસપુર-રખિયાલ વોર્ડમા આવેલા વિવિધ વિસ્તારમા ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરવા માટે રુપિયા ૧૦૦૦૦૦૦ જેટલી રકમની ફાળવણી કરવામા આવી છે.ઠકકરબાપાનગર વોર્ડમા આવેલા વિવિધ વિસ્તારમા ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરવા રુપિયા ૫૦૦૦૦૦૦ જેટલી રકમની ફાળવણી કરવામા આવી છે.

કયા વોર્ડમા બાંકડા મુકવા કેટલી રકમનો ખર્ચ કરાશે?

કુબેરનગર વોર્ડના અલગ અલગ સ્થળોએ કોર્પોરેટર અને ધારાસભ્યના બજેટની ગ્રાન્ટમાંથી કુલ ૧૫૦૦૦૦૦ જેટલી રકમનો ખર્ચ કરવામા આવશે.નરોડા વોર્ડના અલગ અલગ સ્થળોએ કોર્પોરેટર અને ધારાસભ્યના બજેટની ગ્રાન્ટમાંથી કુલ ૧૫૦૦૦૦૦ જેટલી રકમનો ખર્ચ કરવામા આવશે.બાપુનગર વોર્ડના અલગ અલગ સ્થળોએ કોર્પોરેટર અને ધારાસભ્યના બજેટની ગ્રાન્ટમાંથી કુલ ૧૫૦૦૦૦૦ જેટલી રકમનો ખર્ચ બે ફેઝમા કરવામા આવશે.બાપુનગર પૂર્વ તથા બાપુનગર પશ્ચિમ એમ બંને વિસ્તારમાં આર.સી.સી.ના બાંકડા મુકવા અનુક્રમે ૧૫૦૦૦૦૦ જેટલી રકમનો ખર્ચ કરવામા આવશે.ઉપરાંત સરદારનગર વોર્ડ,સૈજપુર વોર્ડ તેમજ ઠકકરબાપાનગર વોર્ડના અલગ અલગ સ્થળોએ કોર્પોરેટર અને ધારાસભ્યના બજેટની ગ્રાન્ટમાંથી અનુક્રમે ૧૫૦૦૦૦૦ જેટલી રકમ આર.સી.સી.ના બાંકડા મુકવા પાછળ ખર્ચ કરવામા આવશે.

Gujarat