Gujarat

શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે

By GS TEAM
31 Aug 20251 min read
શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે

 અમદાવાદ,શનિવાર,30 ઓગસ્ટ,2025

દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદનો પ્રથમ ક્રમ આવ્યા પછી શહેરને વધુ સ્વચ્છ બનાવવા પ્રયાસ શરૃ કરાયો છે. તમામ ૪૮ વોર્ડમાં સફાઈ કામગીરી કરતા કામદારો વચ્ચે સફાઈને લઈ બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજાશે. અઠવાડીક ધોરણે સ્પર્ધા યોજી ત્રણ શ્રેષ્ઠ સફાઈ કરનારા કામદારોને રુપિયા એક હજાર સુધીની પ્રોત્સાહક રકમ અપાશે.

શહેરમાં સફાઈ કામગીરી કરતા કામદારોની બીટ કામદારોની કામગીરીની તપાસ કરાશે.કામદારે કામગીરી દરમિયાન કોર્પોરેશને નકકી કરેલા ડ્રેસ કોડ મુજબ બુટ,ગ્લોવ્ઝ, માસ્ક,રીફલેકટર જેકેટ પહેરવા પડશે.તેમની બીટમાં કયાંય કચરાનો ઢગલો પડેલો હોવો જોઈએ નહીં.વોર્ડ લેવલે ઝોનના ડેપ્યુટી ડાયરેકટર ઉપરાંત પી.એચ.એસ.તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અઠવાડીક ધોરણે ત્રણ શ્રેષ્ઠ સફાઈ કરનારા કામદારો અંગે નિર્ણય કરશે.દર અઠવાડીયે ત્રણ શ્રેષ્ઠ સફાઈ કરનારા સફાઈ કામદારોના ફોટા વોર્ડ ઓફિસમાં મારી બીટ,મારુ ગૌરવ અભિયાન હેઠળ લગાવવામાં આવશે.ઝોનના ડેપ્યુટી કમિશનર પુરસ્કાર આપશે.