અમદાવાદમાં ભગવાન જગન્નાથની નજર ઉતારીને મંદિરમાં કરાવાયો પ્રવેશ
- સવારે મંગળા આરતી અને તેમની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવી
અમદાવાદ, તા. 24 જૂન 2020 બુધવાર
વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે, ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન હોય છે. વહેલી સવારે મંગળા આરતી કરીને તેમની નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે. જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલદેવને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવે છે.
સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા કારણ કે, આ ક્ષણ બાદ આગામી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ અનેક લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.આ જ વિધિને કારણે ભગવાનનાં રથને પરિસરમાં જ રાખવામાં આવ્યાં હતાં. જે બાદ આજે સવારે મંગળા આરતી અને તેમની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવી છે.
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. વર્ષમાં આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વંય નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે. ઈ.સ. 1878થી દર વર્ષે અષાઢી બીજના આ ક્રમ હતો પરંતુ 143 વર્ષે કોરોના મહામારીને કારણે આ વખતે આ પરંપરા તૂટી છે. ભગવાન જગન્નાથજી આ વખતે નગરચર્યાએ નીકળી શક્યા નહોતા.