Updated: Mar 17th, 2023
- રીક્ષા ચાલક, મહિલા અને સહપ્રવાસીએ
- ભાગળ વિસ્તારમાં દુકાનોમાં સફાઈકામ કરતા વૃદ્ધાને "પાછળ એક દાઢીવાળો બાઇક લઇને આવે છે" કહી બધા દાગીના થેલીમાં મુકાવી દીધા
સુરત, : શહેરના ભાગળ વિસ્તારમાંથી રીક્ષામાં વેડરોડ દીકરીને ત્યાં જઈ રહેલા સફાઈકામ કરતા વૃદ્ધાને ભોળવી તેમજ ચોરીનો આરોપ મૂકીને રીક્ષાચાલક, મહિલા અને સહપ્રવાસીએ રૂ.65 હજારના દાગીના સેરવી લીધા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલનપુર જકાતનાકા શિવાંજલી એપાર્ટમેન્ટ ઘર નં.એફ-103 માં રહેતા 62 વર્ષીય સીતાબેન સીતારામ ઉપાલે ભાગળ ચાર રસ્તા ખાતે દુકાનોમાં સફાઈકામ કરે છે.ગત 9 સાંજે કામ પત્યા બાદ તે વેડરોડ રહેતી દીકરી જ્યોતિના ઘરે જવા ભાગળથી રીક્ષામાં બેસ્યા હતા.રીક્ષામાં અગાઉથી ઉંમરલાયક મહિલા અને 20 વર્ષનો યુવાન પાછળ બેસેલા હતા.થોડે દૂર ગયા બાદ રીક્ષા ચાલકે પાછળ એક દાઢીવાળો બાઇક લઇને આવે છે, જે બધાના દાગીના ગળામાંથી કાઢી લે છે.તેથી તમારા ગળામાં મંગળસુત્ર છે તે અને હાથમાં પહેરેલ વીંટી કાઢીને થેલીમાં મુકી દો તેમ કહેતા સીતાબેને દાગીના કાઢીને થેલીમાં મૂકી દીધા હતા.
થોડીવાર બાદ બાજુમાં બેસેલી મહિલાનું પર્સ પડી ગયું હતું અને તે લીધા બાદ તે મહિલાએ તેમાંથી પૈસા ચોરાયા છે તેવી ફરિયાદ કરતા રીક્ષા ચાલકે કાંસકીવાડ કાદરી ડ્રાયફ્રૂટની બાજુમાં રીક્ષા અટકાવીને સીતાબેનની થેલી ચેક કરી પરત આપી હતી.જોકે, ત્યાં રીક્ષા ચાલકે સીતાબેનને ઉતરી જાઓ અમે નથી જવાના કહી રીક્ષા ભગાવતા સીતાબેને થેલી ચેક કરી તો તેમાં રૂ.65 હજારની મત્તાના દાગીના નહોતા.આ અંગે સીતાબેને ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.