For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉમરપાડાના 10 ગામમાં કરા સાથે વરસાદથી તડબૂચના પાકને ભારે નુક્સાન

Updated: Mar 18th, 2023


- ખેતીવાડી વિભાગની આઠ ટીમે 10 ગામોની 395 પૈકી 95 હેકટર જમીનમાં પ્રાથમિક  સર્વે શરૃ કર્યો

સુરત

ઉમરપાડા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ઝીંકાતા ૧૦ ગામોમાં ઉભા પાક ચણા, ધઉ અને તડબૂચના વેલાને ભારે નુકસાન થતા જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમે આ ગામોની ૩૯૫ પૈકી ૯૫ હેકટર જમીનમાં પ્રાથમિક સર્વે કર્યો છે.

સુરત શહેર અને જિલ્લાનું હવામાન બગડતા ખેડુતો ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. આ કમોસમી વરસાદ સર્વત્ર જિલ્લામાં નહીં. પરંતુ જે તાલુકા કે ગામોમાં કે શહેર, નગરપાલિકામાં ઝીંકાય છે. ત્યાં તોફાન મચાવી દે છે. શુક્રવારે ઉમરપાડા તાલુકાના ૧૦ ગામોમાં કરા સાથે પૂરઝડપે પવન ફુંકાવવાની સાથે તોફાની વરસાદ ઝીંકાયો હતો. જેના કારણે પાકને ભારે નુકસાન થતા સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના આદેશથી સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની આઠ ટીમ દ્વારા આજે સર્વે શરૃ કરાયો છે.

ખેતીવાડી અધિકારી સતીષ ગામીતના જણાવ્યા મુજબ ઉમરપાડા તાલુકાના વડગામ, ખોતારામપુરા, ચતરા, વડપાડા સહિત દસ ગામોમાં વરસાદના કારણે ખેતીપાકને નુકસાન થયુ છે. હાલમાં આ ગામોમાં ચણા અને ઘઉનો પાક લેવાઇ રહ્યો હતો. તેવા સમયે જ વરસાદ ઝીંકાતા ખેતીપાકને નુકસાન થયુ છે. તો આ દસ ગામોના ખેડુતો તડબુચની ખેતી કરી રહ્યા છે. અને હાલમાં આ પાક પણ લેવાઇ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે તડબૂચના વેલા પણ ઉખડી જતા નુકસાન થયુ છે. આ દસ ગામોમાં જ વધુ નુકસાન થયાની ભીંતિ સેવાઇ રહી છે. હાલમાં દસ ગામોમાં ૩૯૫ હેકટર જમીનમાંથી ૯૫ હેકટર જમીનમાં પ્રાથમિક સર્વે થઇ ચૂકયો છે. આગામી ત્રણ દિવસમાં સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Gujarat