સૌરાષ્ટ્ર-કચ્છ માટે મહત્વપૂર્ણ રાજકોટથી ભૂજની ટ્રેનનો રૂટ લંબાવવાને બદલે બંધ
સસ્તી, સારી અને આરામદાયક સુવિધા છીનવાઈ જતાં યાત્રિકો હેરાન : હવે એ જ ટ્રેનને રાત્રે 9થી 10 વાગ્યાના સમયે ફરી ચાલુ કરવા રેલ્વે તંત્ર સમક્ષ રજૂઆત : કચ્છનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન હોવાથી રોષ
જસદણ,ભુજ, : સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખુબ જ મહત્વપૂર્ણ રાજકોટથી ભુજની ટ્રેન સોમનાથ અને દ્વારકા સુધી લંબાવવાના બદલે એકાએક બંધ કરવામાં આવી છે, જેથી યાત્રિકો પારાવાર હેરાનગતિ ભોગવી રહ્યા છે. જે ટ્રેન ફરી ચાલુ કરવા અને શક્ય હોય તો લોકોને સરળ-સુગમ રહે એવો સમય નક્કી કરવા સૌરાષ્ટ્રથી કેબિનેટ મંત્રીએ રેલવે તંત્રને રજૂઆત કરી છે. એ જ રીતે કચ્છ જિલ્લાના જાગૃત આગેવાનોએ પણ કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી મહત્વપૂર્ણ રેલસેવા ફરી ચાલુ કરવા માટે માંગણી ઉઠાવી છે.
અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ચલાવવામાં આવતી રાજકોટ-ભૂજ ટ્રેનને 30 જૂન 2025થી એકાએક બંધ કરવામાં આવી છે, રેલસેવાને સમયમાં યોગ્ય ફેરફાર કરી પુનઃ શરૂ કરવા કેબિનેટ મંત્રીએ પશ્ચિમ રેલ્વે, મુંબઈના જનરલ મેનેજરને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ કચ્છ ખાતે વિખ્યાત ધાર્મિક અને ફરવાલાયક સ્થળોએ જવા માટે ખાનગી અને એસ.ટી. બસોના બદલે ટ્રેનમાં જવાનું વધારે પસંદ કરતા આવ્યા છે. વળી, ખાનગી-એસ.ટી.ની બસોમાં સમયસર જગ્યા કે રીર્ઝવેશન મળતું ન હોવાના કારણે રાજકોટથી કચ્છ-ભુજ તરફ ચલાવાતી ટ્રેન મુસાફરો માટે આશીર્વાદરૂપ હતી.
બીજી તરફ કચ્છ જિલ્લાના જાગૃત આગેવાનોએ જણાવ્યું છે કે, ભુજ-રાજકોટ ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે, જે ખરેખર કચ્છ જિલ્લા માટે અન્યાય છે. કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્ર બંને એક સિક્કાની બે બાજુઓ છે અને દરરોજ લોકોની અવર-જવર ચાલુ જ રહે છે અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને બાદમાં જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો આવનાર છે, ત્યારે સોમનાથ, ઘેલા સોમનાથ, નાગેશ્વર, દ્વારકા, સાળંગપુર, ચોટિલા, હર્ષદ, પોરબંદર વગેરે સ્થળોએ જવા માટે ખરેખર આ ટ્રેન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ હતી. આ ટ્રેનને સોમનાથ કે દ્વારકા સુધી લંબાવવાનાં બદલે બંધ કરી નાખવામાં છે, જે પ્રાણપ્રશ્ને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન બની ગયા છે. કચ્છ જિલ્લાનાં પ્રતિનિધિઓએ આ બાબતે રેલવે સત્તાવાળાઓને યોગ્ય રજૂઆત કરવી જોઈએ તેવી માગણી છે.
એ વેકેશન સ્પેશ્યલ ટ્રેન હતી એટલે બંધ થઈઃ રેલતંત્ર
રાજકોટ, : રાજકોટ-ભૂજ ટ્રેન બંધ થવા મામલે રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોએ જણાવ્યું કે, એ અમદાવાદ ડિવિઝનની વેકેશન સ્પેશ્યલ ટ્રેન હતી, જે માત્ર 18 માર્ચથી 30 જૂન સુધી જ દોડાવવાની હતી. જે સમય પૂર્ણ થતાં બંધ કરવામાં આવી છે. હવે ફરી ચાલુ કરવાનું રાજકોટ ડિવિઝનની સત્તામાં નથી. અમદાવાદ ડિવિઝન ફરી દિવાળી સ્પેશ્યલ ટ્રેન તરીકે ચાલુ કરી શકે છે. રાજકોટ ડિવિઝને કચ્છની ટ્રેન ચાલુ કરી શકે નહીં, એ નિર્ણય રેલવે મંત્રાલય તરફથી લેવામાં આવતો હોય છે.