Get The App

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ 1 - image


વઢવાણ ખાતે રહેતા પરિવાર દ્વારા ૬૦ વર્ષથી સુશોભીત માટીના ગરબા બનાવવામાં આવે છે

રૃા.૩૦ થી લઈ રૃા.૧૮૦ સુધીના ગરબાઓની અવનવી વેરાયટીની ખરીદીમાં ભીડ

દર નવરાત્રી દરમ્યાન અંદાજે ૮૦૦થી વધુ માટીના ગરબાઓનું વેચાણ કરવામાં આવે છે

સુરેન્દ્રનગર -  માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજીની આરાધના અને પૂજામાં પરંપરાગત રીતે વપરાતા માતાજીના માટીના ગરબાનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળી રહ્યું છે અને વર્ષોથી સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે માટીના ગરબા બનાવતા પરિવારો ગરબા બનાવી વેચાણ કરી સંસ્કૃતિને ઉજાગર કરે છે.

આ અંગે મળતી માહિતી મજુબ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે અને ભક્તો માતાજીની આરાધના કરવા થનગની રહ્યાં છે ત્યારે નવરાત્રીના નવ દિવસોમાં મોટાભાગે દરેક હિન્દુ પરિવારો પોતાના ઘરે માતાજીના ગરબાની સ્થાપના કરી તેમાં દીવો પ્રગટાવી માતાજીની પૂજા અર્ચના કરે છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે આજે પણ અનેક પ્રજાપતિ પરિવારો પેઢી દર પેઢી માતાજીના ગરબા બનાવી તેના પર ડેકોરેશન કરી વેચાણ કરી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે. જેમાં વઢવાણ ખાતે રહેતા કરશનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર છેલ્લા ૬૦ વર્ષ કરતા પણ વધુ સમયથી માતાજીના માટીના ગરબા બનાવે છે. જેમાં તેમના પતિ, પુત્ર, પુત્રવધૂ અને બાળકો પણ સાથ આપે છે. સૌ પ્રથમ તેઓ માટીને ચાકડા પર ચડાવી તેને ગરબાનો આકાર આપે છે. આ ગરબા સુકાઈ ગયા બાદ તેના પર ડિઝાઇન કરી કલર કરે છે અને કલર થઈ ગયા બાદ ગરબા પર ટીકા, આખલા, કોડી વગેરે લગાવી આકર્ષક ડેકોરેશન કરે છે. આ પરિવાર દ્વારા માતાજીનો એક ગરબો બનાવતા અંદાજે ૩૦ થી ૪૦ મિનિટ જેટલો સમય લાગે છે અને નાની મોટી સાઈઝના ગરબા બનાવી તેનું વેચાણ કરે છે. એક ગરબાના રૃપિયા ૩૦ થી લઈને રૃપિયા ૧૮૦ સુધીની કિંમતમાં વેચાણ કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન અંદાજે ૮૦૦ થી વધુ અલગ અલગ સાઈઝના ગરબાનું વેચાણ કરવામાં આવે છે. જ્યારે નવરાત્રી દરમિયાન ભક્તો અને મહિલાઓ પણ અહીથી જ ગરબા ખરીદવાનો આગ્રહ રાખે છે. બજાર કરતા વ્યાજબી ભાવે આકર્ષક ગરબા બનાવતા હોવાથી દર વર્ષે નવરાત્રિમાં ખરીદીમાં ભીડ ઉમટી પડે છે. નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ માતાજીના ગરબા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નવરાત્રીમાં હાલ સમય પ્રમાણે આુનિકરણ આવી ગયું હોવા છતાં માતાજીના ગરબાની ખરીદી કરી તેનું સ્થાપન કરી અને પૂજા અર્ચના કરવાની પરંપરા અકબંધ જોવા મળતા સમગ્ર માહોલ નવરાત્રી દરમિયાન ભક્તિમય બની જાય છે.


Tags :