પાકિસ્તાન સાથે વ્યાપાર બંધ થતાં સિંધાલૂણની આયાત સદંતર બંધ
અગાઉ 200 ટકા ડયુટી હતી, યુધ્ધ જેવી સ્થિતિ બાદ વેપારીઓની કફોડી સ્થિતિ : આયુર્વેદિક અને ખાદ્ય ઉપયોગમાં આવતા રોક સોલ્ટનો માલ ન મળતાં અનેક વેપારીઓ ધંધો બંધ કરવાની ફિરાકમાં
રાજકોટ, : ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિમાં વ્યાપારિક અને અન્ય સંબંધો બગડતાં પાકિસ્તાનથી આયાત થતા રોક સોલ્ટ ઉપર રોક લાગી જવાથી આયુર્વેદિક દવાઓમાં અને ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા સિંધાલૂણનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. હવે આ માલ વાયા અન્ય દેશોમાં થઈને પણ આવતો ન હોવાથી કેટલાય વેપારીઓ ંધંધાનો સંકેલો કરવા લાગ્યા છે.
આખા વિશ્વમાં રોક સોલ્ટ પાકિસ્તાન અને ઈરાનમાં નીપજે છે અને એમની પાસેથી અન્ય દેશો ખરીદી છે. પાકિસ્તાનમાં નીપજતું રોક સોલ્ટ સિંધાલૂણ શુદ્ધ સ્વરૂપે હોય છે જયારે ઈરાનમાં નીપજતું રોકસોલ્ટ અશુદ્ધ અને નોન એડિબલ હોય છે. એમાં જિપ્સમનું પ્રમાણ પણ આવે છે. એની ઈન્ડસ્ટ્રીયલ યુઝના નામે ભારતમાં આયાત કરી ખાવામાં વપરાશ પણ થતો હતો. ભારતમાં પાકિસ્તાનથી સિંધાલૂણ આયાત થતું હતુુ અગાઉ પૂલવામાં એટેક થયો એ વખતે ભારતે પાકિસ્તાનનો માલ દેશમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને એ પછી પાકિસ્તાને દુબઈ માલ મોકલી ધંધો આગળ વધાર્યો હતો. વેપારીઓ સિંધાલૂણના કન્ટેનરો દૂબાઈથી મંગાવીને વેપાર કરતા હતા. એ પછી આ રોક સોલ્ટ આયાત પર યાને કે પાકિસ્તાની નમક પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખી હતી. આમ છતાં આ ડયુટી ભરીને પણ વેપાર ચાલતા હતા. હવે ફરી પાકિસ્તાન સાથે સંબંધ બગડતા ગત તા.૨ જુનથી ભારતમાં પાકિસ્તાની નમકની આયાત પર સજ્જડ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી દેશમાં સિંધાલૂણ આવતું બંધ થઈ ગયું છે. જો કે પ્રતિબંધ પહેલા જેણે આયાત કરેલુ છે એવા વેપારીઓનો ધંધો ચાલે છે. અન્ય વેપારીઓ આ વેપારીઓ પાસેથી 20 ટકા જેટલું પ્રિમિયમ ચૂકવીને માલ ખરીદી કરે છે.
દેશમાં આયુર્વેદિક ઔષધોમાં આ નમકનો ઉપયોગ થાય છે. આથી હવે ચાર પાંચ માસમાં સંબંધો નહી સુધરે અને આયાત છુટ નહી મળે તો આ ઉદ્યોગને પણ અસર થવાની શક્યતા જોવાઈ રહી છે. આની સાથોસાથ સિંધાલૂણનો પેકેઝિંગ ઉદ્યોગ ચલાવતા ડિસ્ટ્રિબ્યુટરો ચિંતામાં મૂકાયા છે કે હવે આ ધંધો અમે નહી કરી શકીએ અને કેટલાય નાના યુનિટો ધંધાનો સંકેલો કરવા લાગ્યા છે.