પાસ પ્રથા નહીં, શહેરમાં હાઈવે પર મુક્તિ
રાજકોટ, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર
કેસો તો સૌરાષ્ટ્ર આખામાં વધ્યા અને માત્ર મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ કર્ફ્યુ, ભીડ દિવસે થાય, દુકાનો દિવસે ખુલે, સંક્રમણ પણ દિવસે ફેલાય અને કર્ફ્યુ રાત્રે, આમેય રાત્રે તો ઠંડીના કારણે માર્ગો સૂમસામ જ હોય છે વગેરે લોકોની દલીલો અને કર્ફ્યુ સામે કચવાટ વચ્ચે રાજકોટમાં આજે રાત્રિના ૯ વાગ્યાથી નવ કલાકનો (સવારે ૬ સુધી)ના રાત્રિ કર્ફ્યુનો પોલીસે અમલ શરૂ કરાવ્યો હતો.
કર્ફ્યુના ભંગ બદલ ક.૧૮૮ હેઠળ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના પોલીસ અધિકારીને લોકોની ધરપકડ કરવાનો પણ અધિકાર અપાયો છે અને આ માટે આજે જાહેરનામુ જારી કરાયું હતું. તો વિવિધ ફરજ બજાવતા લોકોને કર્ફ્યુમાં મુક્તિ અપાઈ છે. લોકોમાં ઉઠતા સવાલો અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું (૧) કર્ફ્યુ મહાપાલિકાના નવા ભળેલા ગામો સહિતના વિસ્તારો મૂજબ નહીં પણ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં લાગુ પડશે. (૨) કર્ફ્યુ મુક્તિના પાસ માટે હાલ કોઈ વ્યવસ્થા નથી. (૩) લગ્ન પ્રસંગ માટે જે તે વિસ્તારના પોલીસ મથકે મંજુરી અપાશે.
આ નાઈટ લોકડાઉન જેવો કર્ફ્યુ માત્ર રાજકોટમાં હોય શહેરમાંથી પસાર થતા હાઈવે પર પોલીસ કમિશનરના જાહેરનામામાં મુક્તિ અપાઈ છે જે મૂજબ (૧) ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો હાઈવે (૨) જામનગર રોડ પર માધાપર ચોકથી માલિયાસણ ચોક સુધીનો રીંગરોડ ખુલ્લો રહેશે જ્યારે (૧) માત્ર અગત્યના કામ માટે, આજી નદી ઉપર માત્ર કૈસરે હિન્દ પૂલ અને (૨) કાલાવડ રોડ પર માત્ર મહિલા કોલેજ અન્ડરપાસ ખુલ્લા રહેશે, બાકીના બંધ કરાશે.
લોકોને રાત્રિ દરમિયાન બહાર નહીં નીકળવા સ્પષ્ટ તાકીદ કરી છે અને નીકળે તો ફોજદારી પગલા લેવા ચિમકી પણ અપાઈ છે.


