શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે 10 વર્ષથી ક્લાર્ક શિક્ષકોની ભરતી નહીં થતાં કામગીરી પર અસર
Image Source: Freepik
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અનેક ખાલી જગ્યાઓ પર શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓની ભરતી છેલ્લા દસ વર્ષથી અટકાવી દીધી છે જે અંગે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એ શિક્ષણ મંત્રીને પત્ર લખી માંગણી કરી છે કે ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવામાં આવે તે જરૂરી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા અંદાજીત ૧૦ વર્ષોથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક, પટાવાળા, લાયબ્રેરીયન, પી.ટી.ટીચર, ડ્રોઇંગ ટીચર, કોમ્પ્યુટર ટીચર વિગેરેની ભરતી કરવામાં આવેલ નથી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ખર્ચ બચાવવા ઇરાદા પૂર્વક જરૂરી મહેકમ ભરવામાં આવતું નથી જેના કારણે શાળાના વહીવટ અને શિક્ષણ પર સીધી અસર પડી રહી છે.
સરકાર જાહેરાતો પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે પણ માધ્યમિક શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખર્ચ કરવામાં આવતો નથી. ટ્રસ્ટ સંચાલિત ચાલતી માધ્યમિક શાળાઓને માંગણી મુજબ જગ્યાઓ નહિ ભરવાને કારણે શૈક્ષણિક વિકાસ થતો નથી જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે.
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જરૂરી મહેકમ આપવાની શિક્ષણ વિભાગની ફરજનો એક ભાગ છે. જે જગ્યા દર્શાવેલી છે તે ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. ગુજરાત સરકાર ખેલ મહાકુંભની જાહેરાત કરે છે પણ મોટા ભાગની માધ્યમિક શાળાઓમાં પી.ટી.ટીચરની ભરતી કરવામાં આવતી નથી. સરકાર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરે છે જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પટાવાળા નથી. સફાઇ પણ શાળાઓમાં થતી નથી.
ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણ તમામ ક્ષેત્રોમાં જરૂરી છે. વિદ્યાર્થીઓને નોકરીઓની પણ તક મળે છે. સરકારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર ટીચરો આપવા જોઇએ. પુરેપુરો ખર્ચ શિક્ષણ વિભાગ દ્વારા પુરો પાડવો ખુબજ જરૂરી છે.
અમારી માંગણી છે કે, ગુજરાત સરકારે ક્લાર્ક, પટાવાળા, લાયબ્રેરીયન, ડ્રોઇંગ ટીચર, પી.ટી.ટીચર, કોમ્પ્યુટર ટીચર સહિત તમામ જગ્યાઓનું મહેકમ શિક્ષણ વિભાગ દ્વારા આપવા જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે. (૨) ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર કોઇપણ વિષય ઉપર ફી લેવાનો નિર્ણય વ્યાજબી નથી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફ્રી એજ્યુકેશન આપવા માંગ છે.