ઘટતી જતી વોટબેંક અનેક નેતાઓના ગણિત બગાડશે : અગાઉ ભાજપને પછડાટ મળી છે એવા અમરેલી અને મોરબી જિલ્લાઓમાં સૌથી વધુ મતદારોનો ઘટાડો આશ્ચર્યજનક : 49.39 લાખ વોટર્સના હાથમાં સૌરાષ્ટ્રની ગ્રામીણ સત્તાનો ફેંસલો : ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટી ઉથલપાથલ
રાજકોટ, : લોકશાહીના પાયા સમાન પંચાયતી રાજની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્ર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. 2021માં યોજાયેલી સૌરાષ્ટ્રની 8 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ બાદ, હાલ 2026માં વિવાદિત મતદાર યાદીના શુદ્ધિકરણ (એસઆઈઆર)ને લીધે નોંધપાત્ર કહી શકાય એટલો 1.69 લાખ મતદારોનો ઘટાડો થયો છે. એમાં પણ અગાઉ ભાજપને પછડાટ મળી છે એવા અમરેલી અને મોરબી જિલ્લામાં સૌથી વધુ મતદારોનો ઘટાડો આશ્ચર્યજનક છે. જે આગામી સત્તાના સમીકરણો નક્કી કરનારા નિર્ણાયક પરિબળો છે. પહેલા 51 લાખ મતદારો હતા, હવે 49.39 લાખ વોટર્સના હાથમાં સૌરાષ્ટ્રની ગ્રામીણ સત્તાનો ફેંસલો છે. જેથી ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટી ઉથલપાથલ દેખાતા ઘટતી જતી વોટબેંક અનેક નેતાઓના ગણિત બગાડશે એ નક્કી છે.
છેલ્લા 5 વર્ષમાં સૌરાષ્ટ્રના આઠ મુખ્ય જિલ્લાઓમાં મતદારોની સંખ્યામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. રાજકોટમાં 2021માં કુલ 9,60,070 મતદારો હતા, જે 2026માં ઘટીને 9,56,578 થયા છે. આ ઘટાડો શહેરીકરણ સાથે મતદાર યાદીના શુદ્ધિકરણનો સંકેત છે. મોરબીમાં 2021માં 5,41,566 મતદારો હતા, જ્યારે 2026માં આ આંકડો ઘટીને 4,84,231 થયો છે. મોરબી જેવા ઔદ્યોગિક હબમાં આ આંકડા ઉલટફેર કરાવી શકે છે. એ જ રીતે જૂનાગઢમાં 2021માં 7,74,939 મતદારો હતા, જે 2026માં 7,71,029 થયા છે. અમરેલીમાં 9,38,663 થી ઘટીને 8,64,877 થયા છે. 2026 ના આંકડા મુજબ આઠેય જિલ્લામાં મળીને 17 અન્ય મતદારો નોંધાયા છે. ભલે સંખ્યા નાની હોય, પણ તે સામાજિક જાગૃતિ અને સમાવેશી રાજકારણનો પુરાવો છે. મહિલા મતદારોનો આંકડો 2026માં આઠેય જિલ્લામાં મળીને 23,60,563 છે. 2021માં મહિલાઓનું મતદાનનું પ્રમાણ પુરૂષો કરતા સરેરાશ 4-5 % ઓછું રહ્યું હતું. જો આગામી ચૂંટણીમાં મહિલાઓ જાગૃતિ બતાવે, તો 'સાયલન્ટ વોટર' તરીકે તે પરિણામો બદલી શકે છે.
હાઈ-વોલ્ટેજ બેઠકો જોઈએ તો, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં બેઠકોની સંખ્યા 22 અને 18 છે. 2021માં અહીં મતદાનની ટકાવારી 66.76 % અને 54.72 % જેવી નીચી રહી હતી. ઓછા મતદારો વચ્ચે ટૂંકા માજનથી જીત-હાર નક્કી થશે, જે અપક્ષો કે નાના પક્ષોને ફાયદો કરાવી શકે છે. ગીર સોમનાથમાં 2021માં 7,00127 મતદારો સામે 2026માં 7,11,988 મતદારો થયા છે. અહીં થયેલો આશરે 11,000 મતદારોનો વધારો એ સાબિત કરે છે કે અહીં યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે. 2021માં સરેરાશ 66.68% કુલ મતદાન થયું હતું. અમરેલી અને મોરબી જેવા જિલ્લાઓમાં જે રીતે મતદારો ઘટયા છે, તે જોતા ઉમેદવારોએ હવે એક-એક મતના મૂલ્યને સમજીને પ્રચાર કરવો પડશે. રાજકીય પક્ષો અત્યાર સુધી જ્ઞાતિ કાર્ડ પર ખેલતા હતા. હાલ 2026માં મતદારોની સંખ્યામાં થયેલો ઘટાડો સૂચવે છે કે રાજકીય પક્ષોએ હવે 'પર્સનલ કનેક્ટ' વધારવો પડશે. 8 જિલ્લા પંચાયતોની 216 બેઠકો પર અત્યારે 2026માં કુલ 49,39,801 મતદારો ભાવિ નક્કી કરશે. ગત વખતની સરખામણીએ મતદાનની ટકાવારી વધારવી એ લોકશાહી અને પક્ષો બંને માટે મોટો પડકાર રહેશે.


