ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી 1 - image


Navratri Garba : સનાતન ધર્મીઓ એટલે કે હિંદુઓ માટે નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ નવ દિવસ સુધી મા આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન મોડે સુધી જાગીને માના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અને હવે તો વિવિધ પાર્ટીઓ બોલાવીને માના ગરબા રમવામાં આવે છે. ત્યારે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઑક્ટોબરે યોજાશે.

હકીકતમાં આજે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ ઇરાન- ઈઝરાયલ યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત ફરી ના શકતા આજનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે આગામી 14 ઑક્ટોબરના રોજ યોજાશે તેવું ફાલ્ગુની પાઠકે સોશિયલ મીડિયા પર જાહેર કર્યુ છે.  



સોશિયલ મીડિયા પર આ અંગે  ફાલ્ગુની પાઠકે કહ્યું કે, "કેમ છો બધા? આવતી કાલથી શરુ થતી નવરાત્રિની તમે બધાએ ઓલમોસ્ટ તૈયારી કરી દીધી હશે. અને ખાસ તો હું આજે એટલા માટે લાઇવ આવી છું કે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાની છે. આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઑક્ટોબરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઇટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચવાના હતા. પરંતુ તેમની ફ્લાઇટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલે ફ્લાઇટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઇરાન અને ઈઝરાયલના યુદ્ધના કારણે ફ્લાઇટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે."

તેમણે વધુમાં કહ્યું કે, "એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઑક્ટોબરે મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો અને પ્રાર્થના કરજો કે, આવતી કાલથી શરુ થતી નવરાત્રિમાં અમારી ટીમ કોઈ વિઘ્ન વિના પરત આવી જાય. અને હા ગરબાનું સ્થળ જે આજે હતું એ જ રહેશે."



Google NewsGoogle News