રાજકોટ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર, અનેક તાલુકામાં ગઈકાલ રાતથી જ જોરદાર વરસાદ
રાજકોટ શહેરમાં ભારે પવન સાથે 3 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા અને જેતપુરમાં સહિત અનેક તાલુકામાં વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસરરૂપે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ સવારે 6 થી 8 વાગ્યા દરમ્યાન રાજકોટ શહેર સહિત અનેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે ઉમિયા સાગર ડેમ સો ટકા ભરાઈ ગયો હોવાથી એક દરવાજો ખોલાવામાં આવ્યો હતો.
બિપરજોય વાવાઝોડું ગત રાત્રે લેન્ડફોલ થયુ હતું
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ જખૌ નજીક લેન્ડફોલ થયુ હતું. જો કે તેની અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી હતી અને ગત રાત્રી દરમિયાન અનેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા ઉપલેટામાં 6 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ, જામકંડોરણામાં 3.5 અને જેતપુરમાં 2 ઇંચ તેમજ પડધરી 4, કોટડા સાંગાણી 9મીમી, ગોંડલ 12 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરી 5મી.મી., લોધીકા 18મી.મી., કોટડા સાંગાણી 27મી.મી., જસદણ 24મી.મી., ગોંડલ 36મી.મી. અને વીછીયામાં 20 મી.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વાવાઝોડાની અસર સ્વરૂપે સવારથી અનેક તાલુકાઓમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ત્રણ કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં લલુડી વોકળીમાં પાણી ભરાઈ જતાં અસરગ્રસ્તો તાત્કાલિક ધોરણે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઉમિયા સાગર ડેમ સો ટકા ભરાઈ ગયો
રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ સો ટકા ભરાઈ ગયો હોવાથી ડેમનો એક દરવાજો સવારે 5.45 વાગ્યે 0.325 ફુટ ખોલવામાં આવ્યો છે. આથી આ ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચારેલીયા, ખારચીયા, રાજપરા, રબારીકા અને જાર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમમાં હાલ 274ના પ્રવાહની આવક છે.
જિલ્લામાં તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરીને રસ્તો ક્લીઅર કર્યો
બિપરજોય વાવાજોડાને પગલે રાજકોટ જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જિલ્લાની ફોરેસ્ટ ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષો તાત્કાલીક અસરથી દૂર કર્યા હતા. જિલ્લાની 25 ટીમ દ્વારા પાટણવાવથી માણાવદર રોડ, તોરણીયા મોટી પરબડી રોડ, જામકંડોરણા - ગોંડલ રોડ, કાગવડ - જેતપુર રોડ, ઘોઘાવદર ગોંડલ બાયપાસ રોડ સહિત અત્યાર સુધીમાં આશરે 70થી વધુ ધરાશાયી થયેલ વૃક્ષોને દૂર કરીને રસ્તાઓ ક્લીઅર કરવામાં આવ્યા છે.