ઈમ્પેક્ટ ફી : 31 માસમાં આવેલી 4,375 અરજી પૈકી 51 % પેન્ડિંગ, 43% મંજૂર
- બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરતી ઈમ્પેક્ટ ફીથી શહેરમાં 1,924 બાંધકામ કાયદેસર
- મહાપાલિકાએ ચોક્કસ માપંદડ-ગુણભારના આધારે 203 બાંધકામને કાયદેસર કરવાની અરજી ફગાવી : 2,248 અરજી હજુ ચકાસણીમાં ,ફીના કારણે મનપાને 30 કરોડની આવક
રાજ્ય સરકારે તા.૧૭ ઓક્ટોબર,૨૦૨૨ના રોજ વટહુકમ બહાર પાડીને રાજયભરમાં શહેર તથા ગ્રામ્ય કક્ષાએ નોંધાયેલાં બિનઅધિકૃત બાંધકામને ચોક્કસ રકમ ભરીને નિયમિત કે કાયદેસર કરવા માટે મિલ્કતધારકોને તક આપતો કાયદો બનાવ્યો હતો. જે અતંર્ગત શહેર કક્ષાએ મહાપાલિકા મારફત અરજી કરી અરજદાર પોતાની મિલ્કતમાં રહેલું બિનઅધિકૃત બાંધકામ કાયદેસર કરાવી શકે છે. જો કે, આ બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરતા પૂર્વ મહાપાલિકા તંત્ર દ્વારા ચોક્કસ માપંદડ અને ગુણભારની તપાસ કરવામાં આવે છે તથા સ્થળ તપાસ તથા જીડીસીઆરના નિયમોને આધિન બાંધકામને કાયદેસર કે ગેરકાયદેસર કરવામાં આવે છે. રાજ્ય સરકારે ઓક્ટોબર-૨૦૨૨થી અમલી બનાવેલાં આ કાયદાની મુદ્દત પહેલાં છ માસ રાખવામાં આવી હતી. બાદમાં સરકારે આ મુદ્દતમાં સતત સાત વખત વધારો કર્યો છે. હાલ ગત ૧૬ ડિસેમ્બર,૨૦૨૪થી શરૂ થયેલી છ માસની મુદ્દત આગામી ૧૬ જૂનના રોજ પુરી થાય છે ત્યારે આજની સ્થિતિએ ભાવનગર મહાનગરપાલિકાને ૩૧ માસમાં શહેરી હદ વિસ્તારમાંથી ઈમ્પેક્ટ ફી અંતર્ગત કુંલ ૪,૩૭૫ અરજીઓ મળી છે. જે પૈકી તંત્રએ આ સમયગાળા દરમિયાન ૪૩ ટકા અરજી એટલે કે ૧,૯૨૪ અરજીઓની ચકાસણી કરી તેને મંજૂર કરી છે. એટલે કે શહેરમાં આટલી મિલ્કતો ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર થઈ છે.
જયારે, ૪,૩૭૫ પૈકી ૨૦૩ અરજીઓની ચકાસણી કર્યા બાદ આ મિલ્કતોમાં ઈમ્પેક્ટ લાગું કર્યા બાદ પણ બિનઅધિકૃત બાંધકામ કાયદેસર થઈ શકે તેમ ન હોવાથી તમામ ૨૦૩ અરજીને નામંજૂર કરવામાં આવી છે. નામંજૂર થયેલી અરજીનો દર કુલ અરજી સામે સરેરાશ પાંચ ટકા જેટલો હોવાનું જણાય છે. જયારે, કુલ અરજીની અંદાજિત ૫૧ ટકા જેટલી ૨,૨૪૮ અરજી હજુ પણ તંત્રની ચકાસણીથી મંજૂરી-નામંજૂરીની પ્રક્રિયાને આખરી ઓપ આપવાના હેતુસર પેન્ડિંગ પડી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર, તમામ અરજીઓની દસ્તાવેજી ચકાસણી બાદ તેની સ્થળ તપાસ અને બાદમાં નિયમોના આધારે સરખામણીની પ્રક્રિયા થી હોવાથી દરેક અરજીને સમય માંગી લે ટેલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેના કારણે આટલી નોંધપાત્ર સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ છે. આગામી દિવસોમાં આ અરજીનો ઝડપથી નિકાલ આવી જશે. તેમ સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું. જયારે, ૩૧ માસ દરમિયાન મનપાએ મંજૂર કરેલી ૧,૯૨૪ અરજીમાંથી તંત્રને રૂા.૩૦.૨૬ કરોડની આવક થઈ છે.