`હું પૈસા ભરવાનો નથી, તું મારી શેના પૈસા માંગે છે` કહી યુવાનનો ભાગવા પ્રયાસ
રામનગર ચાર રસ્તા પાસે માસ્ક નહિ પહેરનાર યુવાને માથાકૂટ કરી ટોળું ભેગું કરતા જેલમાં જવાની નોબત આવી
સુરત તા. 22 જુલાઇ 2020 બુધવાર
રાંદેર રોડ રામનગર ચાર રસ્તા પાસે માસ્ક નહિ પહેરનાર મોટરસાઇકલ ચાલક યુવાને હું પૈસા ભરવાનો નથી, તું મારી પાસે શેના પૈસા માંગે છે એમ કહી પોલીસ સાથે જીભાજોડી કરવા ઉપરાંત કોઇએ દંડ ભરવાનો નથી એમ કહી ટોળું એકઠું કરવાનો પ્રયાસ કરતા પોલીસે બળપ્રયોગ કરી તેની ધરપકડ કરવાની ફરજ પડી હતી.
રાંદેર પોલીસ મથકના એએસઆઇ નટવર મગન તેમના સ્ટાફ સાથે રાંદેર રોડ રામનગર ચાર રસ્તા પાસે માસ્ક નહિ પહેરનાર વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમ્યાન પલસર મોટરસાઇકલ નં. જીજે-5 એમબી-3989 પર સવાર મંથન શૈલેષ પારેખ (ઉ.વ. 32 રહે. સી/203, ઓર્ચીડ ગ્રીન એપાર્ટમેન્ટ, રાજવર્લ્ડ શોપીંગ સેન્ટરની બાજુમાં, કેનાલ રોડ, પાલ) એ માસ્ક પહેર્યુ નહિ હોવાથી પોલીસે અટકાવી રૂા. 200નો દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ મંથને હું પૈસા ભરવાનો નથી તું મારી પાસે શેના પૈસા માંગો છે. તેવો ઉડાવ જવાબ આપી પોલીસ સાથે જીભાજોડી કરવા ઉપરાંત મોટા અવાજે બુમાબુમ કરી લોકોનું ટોળું એકઠું કરવાનો પ્રયાસ કરી કોઇએ દંડ ભરવાનો નથી એમ કહી ગાળાગાળી કરી પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી પોલીસે મંથનની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરતા મોટરસાઇકલ લઇ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છેવટે પોલીસે બળપ્રયોગ કરી મંથનની અટકાયત કરી તેના વિરૂધ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ અને ધાક-ધમકી આપવા અંગેનો ગુનો નોંધી જેલના સળિયા ગણાવ્યા હતા.