Gujarat

કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન કરન્સી મળ્યા

By GS TEAM
24 Nov 20252 mins read
કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન કરન્સી મળ્યા

વડોદરાઃ સસ્તુ સોનું અને ૧૦ કરોડની લોન આપવાના બહાને કર્ણાટકના વેપારી સાથે રૃ.૪.૯૨ કરોડની ઠગાઇના બનેલા બનાવમાં પીસીબી સહિતની ટીમોએ આજે સૂત્રધાર રાજવીર ઉર્ફે ઇલિયાસના ભાઇના તાંદલજાના ફ્લેટમાં દરોડો પાડી ડુપ્લિકેટ સોનોનો જથ્થો ઝડપી પાડયો છે.

કર્ણાટકના વેપારી મંજુ આર.રવિ સાથે પરિચય થયા બાદ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સિગ્નેટ હબ ખાતે ઓફિસ ધરાવતા વિશાલ બારડ,નયના મહિડા અને એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાધે ફાઇનાન્સ એન્ડ ઇમ્પોર્ટ એક્સ્પોર્ટની ઓફિસ ધરાવતા રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરીએ રૃ.૪.૯૨ કરોડ પડાવી લીધા હતા.

વેપારીને ત્રણ કિલો સોનાની સેફ ડિલિવરી કરાવી આપવાના નામે કારમાં મહારાષ્ટ્ર લઇ ગયા હતા અને ટોલ નાકા પાસે ડુપ્લિકેટ પોલીસે તેમને અટકાવી કેસ કરવાનો ખેલ કરીને વેપારીને કારમાંથી ઉતારી દીધા હતા.ત્યારબાદ સોનુ કે ૧૦ કરોડની લોન નહિ મળતાં વેપારીએ જે પી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ગુનામાં ફરાર થઇ ગયેલા ઇલિયાસ અને વિશાલ બારડ સહિતના આરોપીઓને શોધવા પીસીબીના પીઆઇ ચિરાગ ટંડેલ અને ટીમે એસઓજી તેમજ જેપી રોડ પોલીસની મદદ લીધી છે.આજે પોલીસે તાંદલજામાં ઇલિયાસના ભાઇ ઇદ્રિશના ફ્લેટમાં દરોડો પાડતાં ૧૦૦-૧૦૦ ગ્રામના તાંબા-પિત્તળના સોનાના વરખવાળા ૩ કિલો જેટલા  બિસ્કિટ મળી આવ્યા હતા.આ બિસ્કિટ ભાવેશ મુકી ગયો હોવાની માહિતી બહાર આવી છે.જેથી પોલીસે ઇદ્રિશની અટકાયત કરી છે.

ઇદ્રિશના ફ્લેટમાંથી ચિલ્ડ્રન બેન્કની 1.50 કરોડની કરન્સી મળતાં પોલીસ ચોંકી

તાંદલજામાં રહેતા ઇદ્રિશના ફ્લેટમાં પોલીસે દરોડો પાડતાં ચિલ્ડ્રન બેન્કની કરન્સી પણ મળી આવી હતી.

પીસીબીના પીઆઇ એ કહ્યું હતું કે,જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે અમને માહિતી મળતાં ઇદ્રિશને ત્યાં તપાસ કરી હતી.જે દરમિયાન ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની રૃ.દોઢ કરોડની કરન્સી પણ મળી આવી હતી.

આ કરન્સી કોણ લાવ્યું હતું અને કોઇને ફસાવ્યા છે કે કેમ તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.ઇલિયાસ  પકડાય ત્યારપછી જ તેના નેટવર્કની વધુ વિગતો બહાર આવશે.