Get The App

ગેરકાયદે સ્ટ્રકચરના કારણે ટ્રાફિક સમસ્યા સાથે ગુનાખોરી સાથે લોકોને જીવનું જોખમ

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
ગેરકાયદે સ્ટ્રકચરના કારણે ટ્રાફિક સમસ્યા સાથે ગુનાખોરી સાથે લોકોને જીવનું જોખમ 1 - image


સુરત પાલિકાના કતારગામ ઝોનમાં સંખ્યાબંધ ટેમ્પરરી સ્ટ્રકચર -ડોમ ગેરકાયદે અને રહેણાંક વિસ્તારમાં હોવાની વ્યાપક ફરિયાદ છે. પરંતુ કતારગામ ઝોનના અધિકારીઓને કોઈ ફેર પડતો નથી. આગ લાગી તેના પંદર દિવસ પહેલાં સ્થાનિક રહીશોએ આ ગોડાઉન- શેડના કારણે રાજકોટ જેવી દુર્ઘટના બને તેવી ફરિયાદ કરી હતી. આવી ગંભીર ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન કરતા શુક્રવારે રાત્રે મોટી આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ આગના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે લોકો એવું કહે છે, તક્ષશિલા કે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના થાય પછી જ કતારગામ ઝોન દ્વારા કામગીરી કરશે ?

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં માર્ચ મહિનામાં ડભોલી વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓએ તેમના વિસ્તારમાં ગેરકાયદે અને જોખમી રીતે ચાલતા ડોમ અને ટેમ્પરરી સ્ટ્રકચર સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ કતારગામ ઝોન દ્વારા દેખાડાની કામગીરી કરી હતી પરંતુ વગ વાળા ડોમ કે સ્ટ્રકચર દૂર કર્યા ન હતા જેના પરિણામે શુક્રવારે રાત્રે આગની દુર્ઘટના બની છે. 

માર્ચ મહિનામાં  સિલ્વર સ્ટોન વિલા, વિવાન્તા, લોટસ હાટ્સ, લોટસ-૨૪, ઓમ હેરીટેજ, સંકલ્પ શિવાન્ટા, સંકલ્પ હાઈટ્સ, અનંતા, બ્રહ્મલોક, પ્રયોશા એકઝોટીકા, એલીફન્ટા, રોસ્કો, ગોપીન બંગ્લોઝ, બાગબાન બંગ્લોઝ, સ્વરાજ હાઈટ્સ, શુભમ હાઈટ્સ, ક્રિષ્ના એવન્યુ, સર્જન હાઈટ્સ અને પ્રિઝમ લેકયુ જેવી હાઈરાઈઝ અને બંગ્લોઝ વાળી રહેણાંક વાળી બિલ્ડીંગ ના રહીશો દ્વારા  ગેરકાયદે રીતે ધમધમતા   ગેરકાયદેસર પતરાના શેડ-ડોમ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, ત્યારબાદ દેખાવ પૂરતી કામગીરી કરી હતી. 

કતારગામ ઝોનની આ પ્રકારની વિવાદી કામગીરી બાદ સ્થાનિક આક્ષેપ કરી રહ્યાં છે કે,  આ ગેરકાયદે પ્રવૃત્તિ પાલિકાનો વેરો ભરીને કાયદેસર રહેતા લોકો માટે જોખમી બની રહી છે. તેમની સાથે સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પણ ઝોનની કામગીરી સામે આક્ષેપ કર્યો છે તેઓએ કહ્યું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ ના કારણે રાજકોટ જેવી દુર્ઘટના થાય તેવી ફરિયાદ કરી હતી તેમ છતાં ઝોન દ્વારા પગલાં ભરાયા નથી અને આ દુર્ઘટના બની છે. હવે આ દુર્ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી તેઓએ કરી છે.

Tags :