ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ
- વાલ્મિકી, રોહિત અને ખ્રિસ્તી સમાજમાં આક્રોશ
- એક વર્ષથી માટી ચોરાતા ટેકરો ગાયબ, કબરો ખૂલ્લી થઈ જાય તેવી સ્થિતિ છતાં તંત્ર નિંદ્રાધીન
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે નં. ૮૧૫માં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન, રોહિત અને વાલ્મિકી સમાજના સ્મશાન ટેકરા ઉપર આપેલા છે. ત્યારે જમીનમાં હાલ ગેરકાયદે માટી ખનન- ખોદકામ કરતા ખ્રિસ્તી સમાજની કબરો ખૂલ્લી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક વર્ષથી ગેરકાયદે ખોદકામ કરી ટ્રેક્ટરો મારફતે માટી ચોરાતા કબ્રસ્તાન અને સ્મશાન માટે જોખમ ઊભું થયું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. ઢુણાદરા ગ્રામ પંચાયતના જવાબદાર પદાધિકારીઓને ગેરકાયદે ખોદકામ રોકવા રજૂઆત કરવા છતાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. એક વર્ષમાં માટીનો આખો ટેકરો ખોદી લઈ જઈ હવે સ્મશાન- કબ્રસ્તાન સુધી પહોંચી જતા ત્રણ સમાજની લાગણી દૂભાવા સાથે ચિંતાનું કારણ બની છે.
ધ્યાનમાં આવ્યા બાદ હવે ખોદકામ કરવા દેતા નથી : સરપંચ
ઢુણાદરા ગામના સરપંચ રમેશસિંહે જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યા પછી હવે કોઈને પણ માટી ખોદકામ કરવા દેતા નથી. ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ શખ્સો હવે પછી માટી ખોદકામ ના કરે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે.