Gujarat

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન

By GS TEAM
19 May 20262 mins read
રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે  સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન

વડોદરા, તા.19 વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ખાણખનિજ વિભાગની મિલીભગતથી ચાલતું હોવાના આક્ષેપો અને સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવતા હોય છે. મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મહી નદીમાંથી છેલ્લા ઘણા સમયથી ખનન માફિયાઓ અને ખાણખનિજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી રેતીની ચોરી થઇ રહી છે. ભાદરવા અને પરથમપુરામાં કેટલાય સ્થળોએ ઇજારો આપવામાં આવતો ના હોવા છતાં નદીના પાણીમાં વેક્યૂમ મશિન લગાવીને રાત દિવસ રેતીની ચોરી ચાલી રહી છે.

નદી કાંઠાના લોકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેઓ તપાસ કરવા આવે તે પહેલા રેતી ચોરોને માહિતી આપી દે છે અને નદીના પટમાંથી મશિનરી તેમજ રેતી લઇ જતી ટ્રકો દૂર કરી દેવામાં આવે છે. વર્ષોથી ચાલી રહેલી આ પ્રવૃત્તિના કારણે નદી કાંઠા પર પડી જતા ઊંડા ખાડાઓમાં અનેક લોકો ડૂબીને મૃત્યુ પામતા હોય છે. એટલું જ નહી પરંતુ નદી કાંઠાના ગામોમાં વસતા હિન્દુઓ માટે ધાર્મિક તહેવારોમાં નદીમાં સ્નાન કરવાની પરંપરા પણ મૃતપાય થઇ ગઇ છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે મહી નદી અમારી માતા છે અને પૂજનીય છે પરંતુ રેતી માફિયાઓે અને ખાણખનીજખાતાના અધિકારીઓએ મનોરંજનનુ સાધન બનીવી દીધી છે. જો ગેરકાયદે રેતીખનન નહી રોકવામાં આવે તો મહી બચાવો અભિયાન શરૃ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે.