Get The App

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર 'જનતા રેડ', લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર 'જનતા રેડ', લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી 1 - image

ChhotaUdepur News: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામ નજીક નાની રાસલી ગામની સીમમાં આવેલી ભારજ નદીમાં ગેરકાયદે રીતે ચાલતા રેતી ખનન પર સ્થાનિક લોકોએ 'જનતા રેડ' કરી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિઓથી ત્રસ્ત આશરે 150થી વધુ યુવાનોએ એકઠા થઈને દરોડો પાડતા ખનન સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

'ચોરી ઉપરથી સીના ચોરી'

મળતી માહિતી અનુસાર, ગેરકાયદે રેત ખનનથી પરેશાન લોઢણ અને આસપાસના ગામોના આશરે 150થી વધુ યુવાનોએ ભેગા થઈને ભારજ નદીમાં ચાલતી રેતીની લિઝ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રેતી ખનન કરી રહેલા લીઝ સંચાલકો અને તેમના માણસોએ રેડ કરવા ગયેલા યુવાનો સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી.

રેડ કરનાર યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે રેતીની ચોરી કરનારા સંચાલકોએ 'ચોરી ઉપરથી સીના ચોરી' કરીને યુવાનો સાથે બોલાચાલી કરી અને સવાલ ઉઠાવ્યો કે 'રેતીની ચોરી કરનારા અમારી પ્રિ-માઇસીમાં કેમ આવ્યા?'

આ પણ વાંચો: વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

ગામના યુવાનો દ્વારા તાત્કાલિક ખાણ અને ખનીજ વિભાગને ગેરકાયદે ખનન વિશે જાણ કરવામાં આવી હતી. યુવાનોની રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતા બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા.

જો કે, આ સમગ્ર ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ગેરકાયદે રેત ખનન સામે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ 'જનતા રેડ' એ પાવીજેતપુર વિસ્તારમાં ખનીજ ચોરીના વ્યાપક પ્રશ્નને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.