કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા
રૂ. 17.31 લાખના કોલસાના જથ્થા સહિત કુલ રૂ. 54.31 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પાસેના કામધેનુ એસ્ટેટ 2માંથી કેર કાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ રૂ. 54.31 લાખની કિંમતનો ઇન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનો જથ્થો પાનોલી પોલીસ ટીમે ઝડપી પાડ્યો હતો.

પાનોલી પોલીસને બાતમી મળી હતી કે, બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. 6 અને 7ના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં ઇન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા કોલસાના ઢગલા, કોલસા ભરેલ ત્રણ ડમ્પર, લોડર મશીન તથા પાંચ શખ્સો હાજર મળી આવ્યા હતા. જેમાં સમીર અલ્તાફ સૈયદ (રહે- અંકલેશ્વર), આકાશ ગંગાદીન રાજપુત (રહે - અંકલેશ્વર /મૂળ રહે- ઉત્તર પ્રદેશ), કવલજીતસિંગ સુભેગસિંગ , કુલવેન્દ્રસિંગ જશવંત સિંગ (બને રહે- દહેજ/ મૂળ રહે- પંજાબ) અને સુગંધકુમાર સુરેશસિંગ (રહે - સુરત/ મૂળ બિહાર) નો સમાવેશ થાય છેતેમની પાસેથી ગોડાઉનમાં કોલસા રાખવા અંગે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાં રહેલ રૂ. 8, 07,500ની કિંમતનો આશરે 95 ટન કોલસો તથા ડમ્પરમાં ભરેલ રૂ. 9.23 લાખની કિંમતનો 108 ટન કોલસો મળી કુલ રૂ. 17 , 31,280 , ત્રણ ડમ્પર, લોડર મશીન કુલ રૂ. 54,31,280નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની અટકાયત કરી હતી.