મુળીના ઉમરડા અને ભેટ ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું
ખનન થયેલી ખાનગી અને સરકારી જમીનની માપણી બાદ છ ભૂમાફિયાઓ સામે દંડ વસૂલાશે
બંને સ્થળ પરથી 15 કૂવા, 9 ચરખી, 400 ટન કાર્બોસેલ સહિત રૂા.19 લાખનો મુદ્દામાલ જપ્ત : અંદાજે 200થી વધુુ પરપ્રાંતિય શ્રમિકોને સમજાવી વતન મોકલાયા
સુરેન્દ્રનગર: મુળી તાલુકાના ઉમરડા ગામની સીમમાં ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મળી મામલતદાર સહિતની સંયુક્ત ટીમે દરોડો પાડી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમોએ ૧૫ કૂવા, ૭ ચરખી, ૩૦૦ ટન કાર્બોસેલ સહિત રૂા.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાતભર કાર્યવાહી કરી અંદાજે ૨૦૦થી વધુુ પરપ્રાંતિય શ્રમિકોને સમજાવી વતન મોકલાયા હતા. જ્યારે ભેટ ગામેની સીમમાંથી અલગ-અલગ જગ્યાએથી દરોડો પાડી ૧૦૦ મેટ્રીક ટન ગેરકાયદે કાર્બોસેલ સહિત રૂા.૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ચોટીલા પ્રાંતત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ મુળી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મુુળીના ઉમરડા ગામની સરકારી સર્વે નં.૧૧૮૫ તેમજ ખાનગી સર્વે નંબર ૭૭૮વાળી જમીનમાં તેમજ આસપાસની જગ્યા પર દરોડો પાડી ગેરકાયદે કાર્બોસેલના ૧૫-કૂવા, ૭-ચરખી, અંદાજે ૩૦૦ ટન ગેરકાયદે કાર્બોસેલ સહિત કુલ રૂા.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી હતી. તેમજ રાતભર આ કામગીરી દરમ્યાન આસપાસના સ્થળો પરથી ગેરકાયદે ખોદકામ કરતા અંદાજે ૨૦૦થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને સમજાવી પોતાના વતન પરત રવાના કર્યા હતા.
તપાસ દરમિયાન ખાનગી સર્વે નંબરની જમીનમાં ચાર ભૂમાફિયાઓ કાળુભાઈ લાલજીભાઈ જાડા, બાલુબેન લાલજીભાઈ જાડા, મરધાબેન લાલજીભાઈ જાડા, સવિતાબેન લાલજીભાઈ જાડા દ્વારા ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ખનન થયેલી જમીનની માપણી થયા બાદ રકમની વસુલાત કરવાની કામગીરી પણ હાથધરવામાં આવશે. આ ઉપરાંત ખાનગી માલીકીના સર્વે નંબર ૭૮૧માં ધીરૂભાઈ પોપટભાઈ અને ૭૮૨માં રતુભાઈ પોપટભાઈ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવામાં આવ્યું હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે મુળીના છેવાડાના ભેટ ગામની સીમમાં આવેલ અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરી દરોડો કર્યો હતો. જેમાં ૧૦૦ મેટ્રીક ટન ગેરકાયદેસર કાર્બોસેલ, બે ચરખી, ૭ બકેટ સહિત કુલ રૂા.૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થાન, ચોટીલા, મુળી તાલુકામાં પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા ઉપરાછાપરી દરોડા કરી ગેરકાયદે ખનીજ ખનન અને વહન ઝડપી પાડવામાં આવે છે. જ્યારે ઓવરલોડ અને રોયલ્ટી વિના દોડતાં ડમ્પરો, ગેરકાયદે ખનનને પ્રાંત અધિકારી અને મામતલાદર પકડી શકે તો ખાણ ખનીજ વિભાગ કેમ પકડતું નથી? તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.