થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું
- જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ
- ગેરકાયદે કાર્બોસેલના 04 કુવા પરથી ચરખી, મશીન સહિત રૂપિયા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુમાફિયાઓ મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનંણ ખનન અને વહન કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે થાન તાલુકામાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં થાનના રાવરાણી ગામની સીમમાંથી મોટાપ્રમાણમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડી કાર્યવાહી હાથધરી છે.
જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા થાન તાલુકાના રાવરાણી ગામની સીમમાં બાતમીના આધારે સરપ્રાઈઝ રેઈડ કરી હતી . જેમાં ગેરકાયદેસર કાર્બોસેલના ચાર કુવાઓ પર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી ખનનમાં વપરાતા ચરખી મશીન કાર્બોસેલ સહિત અંદાજે રૂા.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગેરકાયદેસર ખોદકામ કરેલ કુવાની માપણી સહિતની પ્રક્રિયા હાથધર્યા બાદ ભુમાફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી જ્યારે ખાણ ખનીજ વિભાગની રેઈડથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.