Gujarat

થાનના જામવાળી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું

By GS TEAM
5 Jul 20252 mins read
થાનના જામવાળી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું

- ખનન માટે ઉપયોગમાં લેવાતા 01 દુકાન અને 04 ઓરડી તોડી પાડવામાં આવી

- વર્ષ 2021 થી બંધ થયેલ સીલીકાની લીઝમાં 20 કાર્બોસેલના ગેરકાયદેસર કુવાઓમાં ખનન ઝડપાયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના થાન, મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલ, રેતી સહિતની ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે થાન તાલુકાના જામવાળી વિસ્તારમાં ચેકીંગ તેમજ રેઈડ કરી હતી જેમાં ગેરકાયદેસર ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતા દુકાન અને ઓરડી સહિતનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું અને સ્થળ પરથી વિસ્ફોટક સામાનનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને ટીમે થાન તાલુકાના જામવાળી ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી અંગે રેઈડ કરી હતી જેમાં સરકારી સર્વે નંબરવાળી જમીનમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતી અનઅધિકૃત એક દુકાન અને ચાર ઓરડી જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જામવાળીની સરકારી સર્વે નંબર ૧૨૫વાળી જમીન ગાંધીનગર ખાતે રહેતા ગણપતભાઈ આંબાભાઈ પટેલને સીલીકા ખનીજ માટે મંજુર કરવામાં આવી હતી જે લીઝ વર્ષ ૨૦૨૧થી બંધ હોવા છતાં આ જમીનમાં કુલ ૨૦ ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ખોદી નાંખવામાં આવ્યા હોવાનું માલુમ પડયું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક સામાનો અને અન્ય સાધન સામગ્રા રાખવા માટે કુલ ૧૧ અનઅધિકૃત ઓરડીઓ બનનાવવામાં આવી હતી જે ૧૧ ઓરડીઓમાંથી  ૪૪ નંગ સુપરપાવર નાઈટીંગ વિસ્ફોટક, ૨૫ મીટર સેફટી ફ્યુઝ, ૩ મીટર ડિટોનેટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને તમામ ૧૧ ઓરડીઓમાંને સીલ મારી લીઝ પટ્ટો રદ્દ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે. તેમજ ગપતભાઈ પટેલ સામે પણ ગેરકાયદેસર કાર્બોસેલના ૨૦ કુવાઓ ખોદી ગેરકાયદેસર ખનીજચોરી બદલ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે. થાન તાલુકામાં ગેરકાયદેસર ખનીજચોરી સહિત વિસ્ફોટક માલ-સામાન ઝડપાતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.