મુળીના ધોળીયામાંથી કાર્બોસેલના 7 કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું
- સ્થળ પરથી સેફટી ફયુઝ, ડિટોનેટર, વિસ્ફોટક પણ ઝડપાયો
- 7-કુવા, 7-ચરખી, 7-બકેટ અને ગેરકાયદેસર કાર્બોસેલ સહિત અંદાજે રૂા. 11 લાખનો મુદ્દામાલ જપ્ત
મુળી તાલુકાના ધોળીયા ગામની સીમમાં ભુમાફીયાઓ દ્વારા કાર્બોસેલનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદને પગલે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ મુળી મામલતદરની સંયુક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન ગેરકાયદેસર કાબોસેલના ૭ કુવાઓ, ૭ ચરખી, ૭ બકેટ અને અંદાજે ૬૦ ટન ગેરકાયદેસર કાર્બોસેલ સહિત કુલ રૂા.૧૧ લાખનો મદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત કાર્બોસેલના કુવાઓની બાજુમાંથી ૨૦ મીટર સેફટી ફયુઝ, ૧૦૦ નંગ ડિટોનેટર તેમજ ૨૫ મીમી સુપર પાવર ન્યુ નાઈટી વિસ્ફોટક (ભડાકા) નંગ-૭ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો જ્યારે રેઈડ દરમિયાન ઝડપાયેલ તમામ મુદ્દામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે સીઝ કરવમાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારીની રેઈડથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.