સૈયદ વાસણા અને કીશન વાડીમાં દબાણો કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, ઓટલા તોડાયા: ત્રણ ટ્રક માલ સામાન કબજે
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૈયદ વાસણા ખાતે આવેલી જનક નગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં બનાવાયેલા પાકા ઓટલા, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ સહિત ગેરકાયદે પાકા દબાણો પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી- વારસિયા રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા આસપાસના હંગામી દબાણો સહિત રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ સાથે દબાણોનો સફાયો કરીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન પાલિકા તંત્રએ કબજે કર્યો હતો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદ વાસણાની જનક નગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાન ધારકોએ ગેરકાયદે ઓટલા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ બનાવી દીધા છે. આ અંગેની જાણ થતા પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ ટીમ, તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી. પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા અને પાલિકા ટીમ જોડે કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ તમામને સંયમતથી ખદેડી દીધા હતા. પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી.
આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી વારસિયા રીંગરોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ સાથે નડતરરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.