Gujarat

હાઇવે પર સરકારી પડતર જગ્યામાં ડીઝલનો ગેરકાયદે ધંધો ચાલતો હતો

By GS TEAM
27 Jun 20252 mins read
હાઇવે પર સરકારી  પડતર જગ્યામાં ડીઝલનો ગેરકાયદે ધંધો ચાલતો હતો

વડોદરા,હાઇવે પર  એપીએમસી સામે સરકારી પડતર જમીનમાં ડીઝલનો ગેરકાયદે સંગ્રહ કરી  વેચવાનું કૌભાંડ પાંચ મહિના અગાઉ ઝડપાયું હતું.  ફોરેન્સિક રિપોર્ટ અને તલાટી પાસેથી  માહિતી આવ્યા  પછી બાપોદ પોલીસે આ બનાવમાં  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સયાજીપુરા ખાતે એપીએમસી સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં કેટલાક લોકો અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવીને જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરીં વાહન ચાલકોને છૂટક વેચાણ કરી રહ્યા હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.

પોલીસે નોઝલ, પંપ,ત્રણ હજાર લીટરની કેપિસિટી ધરાવતી સફેદ ટેન્ક સહિતની કુલ ૧.૬૨ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ફોરેન્સિક રિપોર્ટમાં ડીઝલ પેટ્રોલિયમ હાઇડ્રો કાર્બનની હાજરી હોવાનું જણાઇ આવ્યું હતું. તેમજ મીનાક્ષી પાર્કિંગવાળી જગ્યાની માલિકી અંગે પોલીસે તપાસ કરતા તલાટીએ જણાવ્યું હતું કે,   આ  સરકારી પડતર જમીન છે. વધુમાં, પોલીસને એવી વિગતો જાણવા મળી હતી કે, મહેસૂલ વિભાગ અમદાવાદ ખાતે  અપીલ ચાલે છે. જમીન માલિક સૂરવીરસિંહ વસાવાએ મદ્રાસી વ્યક્તિને સ્ટેમ્પ પર વેચાણ આપી હતી. વારસદાર બાબતે ખરાઇ કરતા મિતેશ ભરતભાઇ વસાવા (રહે. સયાજીપુરા ગામ) એ પોલીસને જણાવ્યું હતું કે, મીનાક્ષી પાર્કિંગ વાળી જગ્યાનો ભાડા કરાર તા. ૦૪ - ૦૧ - ૨૦૨૫ ના રોજ જમોડ રાહુલ પ્રવિણભાઇ (રહે. પાળિયાદ, ભાવનગર)ને ભાડા  કરાર કરી આપ્યો હતો. તેમજ પાર્કિંગના વહીવટકર્તા નાજુભાઇ ભરવાડ (રહે. ખોડિયાર નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ) છે.


કુલ ૭ આરોપીઓ સામે પોલીસે  ગુનો દાખલ કર્યો

 વડોદરા,

પોલીસે ડીઝલનો ગેરકાયદે ધંધો કરતા અને ભાડા કરાર કરી આપનાર સહિત કુલ ૭ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં (૧) નાજુ દેવાભાઇ ભરવાડ (૨) રાજુ દેવાભાઇ ભરવાડ (રહે. મારૃતિ નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ) (૩) મિતેશ ભરતભાઇ વસાવા (રહે.સયાજીપુરા ગામ) (૪) જમોડ રાહુલ પ્રવિણભાઇ (રહે. ગાંધીવાળી શેરી, નાના પાળિયાદ, ભાવનગર) (૫) મામટી  ફૈઝલ ઉર્ફે મોન્ટુ અબ્દુલભાઇ (રહે.  પાળિયાદ, ભાવનગર) (૬) નરપતસિંહ મનુભાઇ સોલંકી (રહે. ઉંચડી ગામ,તા. ધંધુકા, જિ. અમદાવાદ) તથા (૭) પ્રવિણ શામજીભાઇ મકવાણા (રહે. ખોડિયાર નગર, ન્યૂ વી.આઇ. પી.રોડ) નો સમાવેશ થાય છે.