Get The App

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું 1 - image

- અધિકારીઓએ નોટિસ કે સીલ મારવાની તસદી પણ ન લીધી 

- 1999 માં હરાજી વગર બારોબાર ઠરાવ કરી અપાયેલી જગ્યામાં નિયમોને નેવે મૂકી દુકાનો બનાવી દેવામાં આવી

નડિયાદ : નડિયાદ શહેરના હાર્દસમા પારસ સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીની મિલકતો પર ભ્રષ્ટાચારની ઉધઈ લાગી ચૂકી છે. વર્ષોે અગાઉ માત્ર ૧ લાખ રૂપિયા જેવી નજીવી રકમમાં પારસ સર્કલ સામેની પાલિકાની માલિકીની ૧૨ દુકાનોનું ધાબુ બે વ્યક્તિઓને પધરાવી દેવાયા બાદ, ત્યાં મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરી આખી ઈમારત ઉભી કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં પાલિકા તંત્ર કબજો લેવાને બદલે તમાશો જોઈ રહ્યું છે.

નડિયાદ મહાનગરપાલિકાના ચોપડે બોલતી વિગતો મુજબ, શહેરના પારસ સર્કલ સામે આવેલી દુકાન નંબર ૧થી ૧૨ અને તેની ઉપરનો પ્રથમ માળ પણ વિવાદોનું કેન્દ્ર છે. વર્ષ ૧૯૯૯માં કારોબારી સમિતિના ઠરાવ નંબર ૪૬૨થી, તારીખ ૪-૧૧-૧૯૯૯ના રોજ કોઈપણ જાતની જાહેર હરાજી કે પારદર્શક પ્રક્રિયા વિના સીધો ઠરાવ કરીને આ દુકાનોની ઉપરની દાદરવાળી જગ્યા અને ધાબુ જગદીશભાઈ રમણલાલ મહેતા અને અશોકકુમાર બબલદાસને આપી દેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ કિંમતી જગ્યા માત્ર રૂપિયા ૧ લાખમાં પધરાવી દેવામાં આવી હતી. 

શરતો મુજબ અહીં કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવાની મનાઈ હોવા છતાં, ભાડૂઆતોએ મહાનગરપાલિકાની કોઈપણ મંજૂરી લીધા વિના અહીં દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે. એટલું જ નહીં, આ સરકારી જગ્યા અન્ય ત્રાહિત વ્યક્તિઓને પેટા ભાડે આપી અથવા વેચાણથી આપી દઈ રોકડી કરી લીધી હોવાની ચર્ચાઓ ઉઠી છે. ગ્રાઉન્ડ ફ્લોર પરની ૧થી ૧૨ દુકાનો પણ ૧૯૯૯માં જાહેર હરાજીથી અપાઈ હતી, જેનો ભાડાપટ્ટો ક્યારનોય પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં હાલમાં ત્યાં મૂળ ભાડૂઆતોને બદલે અન્ય શખ્સોે કબજો જમાવીને બેઠા છે અને વધુ ભાડું ઉપજાવી રહ્યાં હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

પાલિકાના રેકોર્ડ પર સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ દુકાનો અને પ્રથમ માળનો ભાડાપટ્ટો પૂર્ણ થઈ ગયો છે અને શરતોનો સરેઆમ ભંગ થયો છે. તેથી આ મિલકતો ખાલી કરાવી કબજો પરત લેવો જોઈએ. પરંતુ વર્ષ ૨૦૨૨માં આ અંગે ઠરાવ થયો હોવા છતાં, આજદિન સુધી પાલિકાના અધિકારીઓએ સ્થળ પર જઈને નોટિસ આપવાની કે સીલ મારવાની તસદી લીધી નથી.

અત્યાર સુધી 128 જેટલી દુકાનો તોડાઈ

નડિયાદ મનપાના શહેરી વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૧૨૮ જેટલી દુકાનો તોડી નાખવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની બાજુમાં વરસાદી કાંસ પર બનાવાયેલી ૬૫ જેટલી દુકાનો જર્જરીત થઈ ગઈ હોવાથી તે તોડી નાખવામાં આવી હતી. આ સિવાય નડિયાદ ટાઉન પોલીસ મથકની સામેની ૧૩ દુકાનો પણ મનપા બન્યા બાદ તુરંત તોડી નાખવામાં આવી હતી, તો વળી, આ તરફ મહાનગરપાલિકાના મુખ્ય ગેટ પાસેની ૪ દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી અને તાજેતરમાં સરદાર પ્રતિમા પાસેની સરદાર ભુવન કોમ્પ્લેક્સની કાંસ પરની જર્જરીત બનેલી ૪૬ દુકાનો જમીનદોષ કરી નાખવામાં આવી છે.