સરકારના કબજામાં જવાને પાત્ર જમીનમાં યોગ્ય મંજૂરી વિના ચાલી રહેલા બાંધકામ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
વેજલપુર તાલુકાના મકરબા વિસ્તારની સરવે નંબર ૫૫૧ અને ૫૭૪ના વેચાણ અંગેના સોદાને માન્યતા મળે તેમ ન હોવાનું જણાવતો મામલતદારનો ચૂકાદો આવ્યો હોવા છતાંય આ જમીન પર આજે કોઈપણ જાતની ધાસ્તી વિના બાંધકામ ચાલી રહ્યં હોવાની અને આ બાંધકામ તત્કાળ અટકાવી દેવાની માગણી પણ કરવામાં આવી છે. એકવાર ગેરકાયદે બાંધકામ થઈ જાય તે પછી વરસોના વરસ સુધી તે બાંધકામ દૂર કરી શકાતું નથી.
ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને વિવાદાસ્પદ જમીનને સીલ કરી તેના પર થતાં બાંધકામ અટકાવવા માગણી કરી
મકરબાના સરવે નંબર ૫૫૧ અને ૫૭૪ની જમીન વેચાણથી રાખનાર સુભાષ શાહ, નિમેષ ચુડકર, પાર્થ પરીખ, દેવેન્દ્ર પટેલ, જ્યેોતિન્દ્ર ત્રિવેદી અને જિજ્ઞોશ શાહ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાથી તબદિલીનો વહેવારને મામલતદારેે ગણોતધારાની કલમ ૨(૨) અને કલ ૬૩(૧)ના ખંડ ક, ખ અને ગની જોગવાઈઓના ભંગ સમાન ગણીને તેને અમાન્ય ઠેરવવાનો નિર્દેશ તેના ઓર્ડરમાં આપી દીધો છે. ખરીદનાર ખેડૂત ખાતેદાર હોવાના પૂરતા પુરાવાઓ રજૂ ન કરી શક્યા હોવાથી ખરીદનારની તરફેણમાં આ જમીન ટ્રાન્સફર થઈ શકતી નથી. પરિણામે જમીન ખરીદનારા છ જણને અંદાજે જંત્રીના મૂલ્યના ત્રણ ગણી રકમનો દંડ કરવામાં આવ્યો છે.
આ વિવાદાસ્પદ સોદા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરતાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું છે કે શ્રીસરકાર થવાને પાત્ર એટલે કે સરકારના કબજામા ંચાલી જવાને પાત્ર જમીન પર યોગ્ય પરવાનગીઓ મેળવ્યા વિના જ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવીર રહ્યા છે. આ જમીન પર થઈ રહેલા બાંધકામો તત્કાળ અટકાવી દેવા જરુરી છે. તેમ જ આ જમીનને કામચલાઉ ધોરણે એટલે કે ફાઈનલ ચૂકાદો ન આવે ત્યાં સુધી સીલ કરી દેવી જોઈએ. વર્તમાન બજાર કિંમત અંદાજે રુ. ૪૫૦ કરોડથી વધુનું મૂલ્ય ધરાવતી આ જમીન પર મોટા બંગલાઓના બાંધકામો અત્યારે ચાલી રહ્યા છે. તેને માટે સક્ષમ સત્તાવાળાઓ પાસે પ્લાન પાસ કરાવવામાં આવ્યા હોવાનું જણાતું નથી. તેમ જ સત્તામંડળ પાસે નકસાઓ મંજૂર કરાવ્યા નથી. તેમ જ રજા ચિઠ્ઠીઓ પણ મેળવી ન હોવાનું જણાઈ રહ્યું છે.
આ સંજોગોમાં ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યા છે. તેને માટે જોઈતી મંજૂરીઓ પણ મેલવવામાં આવેલી નથી. સામાન્ય નાગરિક આ પ્રકારની ભૂલ કરે અને ગેરકાયદે ઝૂપડાં બનાવી દે તો તેવા સંજોગોમાં તેમના કાચાપાકા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં રતિભાર ખચકાટ ન અનુભવતા સરકારી અધિકારીઓ આ જમીન પર ચાલી રહેલા બાંધકામની બાબતમાં કૂણું વલણ અપનાવીને બેઠાં હોવાથી તેમની મિલીભગત હોવાની શંકા જાય છે.








