હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટ આગળ ન વધતા ગેરકાયદે બાંધકામનો રાફડો
હાઉસિંગ બોર્ડની સ્કીમમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામોઃ રેસિડેન્શિયલ રૉ હાઉસમાં થઈ રહેલા કોમર્શિયલ બાંધકામો
પોલીસ બંદોબસ્ત મળતો જ ન હોવાના કારણો આગળ કરીને ગેરકાયદે બાંધકામ કરનારાને રક્ષણ આપી રહેલા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ
હાઉસિંગ બોર્ડના સત્તાવાળાઓ ગેરકાાયદેસર બાંધકામ કરનારાઓને માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
હાઉસિંગ બોર્ડની સ્કીમમાં ગેરકાયદેસર બાંધકામ અત્યંત વધી ગયા હોવાથી તેના રિડેવલપમેન્ટમાં અવરોધ આવી રહ્યા છે. સરકાર ઇચ્છે તો પણ તેમાં ગેરકાયદે બાંધકામ કરી ચૂકેલાઓ તેમની વધારાની જગ્યા ગુમાવી બેસશે તેવા ભય હેઠળ રિડેવલપમેન્ટના કામકાજમાં રોડાં નાખી રહ્યા છે. તેમાંય કેટલાક લોકો રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની નારણપુરા કચેરીમાં આ અંગે ૨૫મી મે ૨૦૨૫ના ફરિયાદ પણ આપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી, અમ્યુકો અને હાઉસિંગ બોર્ડની ઓફિસ સહિત દરેક જગ્યાએ આ અંગે ફરિયાદ આપવામાં આવી છે. થોડા લોકોના ગેરકાયદેસર બાંધકામને કારણે જેમણે ગેરકાયદે બાંધકામ નથી કર્યા તેમને રીડેવલપમેન્ટના લાભ મળતા જ નથી.
અમદાવાદના નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં અર્જુના આઈકોનિકમાં જાણીતી હોસ્પિટલ પાસે, અમદાવાદમાં નેહરુનગર પાસે આવેલી જાણીતી ફરસાણની દુકાનના માલિકોએ, સી.એન. વિદ્યાલય સામે હનુમાન મંદિરને અડીને આવેલી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તો ગેરકાયદે બાંધકામ કરીને તેમના એકમો ઊંચી કિંમતે વેચી દઈને નીકળી પણ રહ્યા છે. હાઉસિંગ બોર્ડની રહેઠાણની સોસાયટીઓમાં કોમર્શિયલ બાંધકામ કરીને ગેરલાબ ઊઠાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં માર્ચ ૨૦૨૪થી કરવામાં આવેલી ફરિયાદ પર નોટિસ આપ્યા સિવાય આજ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી.
પરિણામે ગેરકાયદે બાંધકામ કરનારાઓને નોટિસ આપીને ચૂપ બેસી જતાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે જ તપાસ કરાવવાની માગણી ઊઠી રહી છે. આ જ રીતે હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ અમ્યુકોના સત્તાવાળાઓને ગેરકાયદે દબાણ દૂર કરવાની સૂચના આપી દીધી હોય તો તેવા સંજોગોમાં અમ્યુકોના સંબંધિત વોર્ડના અધિકારીઓ સામે કાયદેસરની તપાસ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી રહી છે. અત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમ્યુકોના અધિકારીઓ જવાબદારી એક બીજાને માથે નાખીને છટકી રહ્યા છે. તેનો લાભ ગેરકાયદે બાંધકામ કરનારા ઊઠાવી રહ્યા છે.