AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nikol's Civic Nightmare: અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહીનો દાવો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે નિકોલ-કઠવાડા વિસ્તારમાં ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાંથી ઉઠતી ફરિયાદો મુજબ, કેટલાક સ્થળોએ કોર્પોરેશન દ્વારા કલમ 260, 260(1) અને 260(2) હેઠળ નોટિસો ફટકારીને સીલ મારવામાં આવ્યા હોવા છતાં બાદમાં સીલ તોડી ફરીથી કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ખેતીલાયક જમીન પર NA વગર જ શેડનો રાફડો
સ્થાનિકોના જણાવ્યાનુસાર, નિકોલ 1/2/3 નવા વિકસિત વિસ્તારમાં રહેણાક અને કોમર્શિયલ બાંધકામોનો રાફડો ફાટ્યો છે! ભક્તિ સર્કલ નજીક પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં ખેતીલાયક જમીન પર બિન ખેતી (NA) મંજૂરી વિના શેડ, ગેરેજ અને ખાણી-પીણી સંબંધિત ધંધાકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. અહીં અનેક સ્થળે કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરીને કામ બંધ કરાવી દીધા હતા, પરંતુ લગભગ બધે જ આવા દબાણો ફરી ચાલુ થઈ ગયા છે.
આ પણ વાંચો: ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો: નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત
AMCની નોટિસની ખુલ્લેઆમ અવગણના
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આવા બાંધકામો અને ધંધાકીય પ્રવૃત્તિઓના કારણે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ગેરકાયદે પાર્કિંગ અને વધતી અવરજવરથી રસ્તા પર દબાણ સર્જાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ ગેરકાયદે બાંધકામોમાં ગટર, પાણી અને વીજળી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેના કારણે જરૂરી મંજૂરી અને પ્રક્રિયાઓ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ તત્ત્વો સામે અનેક ફરિયાદો બાદ ટૂંકા સમય માટે કાર્યવાહી થતી હોવા છતાં લાંબા ગાળે સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. અહીંના રહેવાસીઓ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ સ્થિતિ જૈસે થે જેવી છે.
અમદાવાદ કોર્પોરેશનનો લૂલો બચાવ!
બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન સત્તાવાર રીતે જણાવે છે કે, અમે સમયાંતરે દબાણ હટાવો અભિયાન અને ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરીએ છીએ. જો કે, કોર્પોરેશનના વલણ મુજબ ગેરકાયદે બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરાય છે. આમ છતાં સ્થાનિકોનું માનવું છે કે જો સીલ માર્યા બાદ પણ સ્થળો પર પ્રવૃત્તિ ચાલુ રહેતી હોય તો જવાબદાર તત્ત્વો સામે વધુ કડક પગલાં જરૂરી બને છે.
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા હોવાના આક્ષેપો અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે. શહેરી આયોજન અને સુરક્ષાના દૃષ્ટિકોણથી આવા બાંધકામોનું નિયમિત નિરીક્ષણ અને અસરકારક દેખરેખ પણ જરૂરી છે.
ગેરકાયદે બાંધકામો પર અસરકાર નિયંત્રણ જરૂરી
હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સીલ તોડવાના અને મનાઈ હુકમોની અવગણનાના આક્ષેપોમાં કેટલી હકીકત છે. જો નિયમભંગ થયા હોય તો જવાબદારો સામે કઈ કાયદાકીય કાર્યવાહી કરાશે? સ્થાનિકો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પારદર્શક તપાસ અને અસરકારક અમલની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી કાયદાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને ગેરકાયદે પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ આવી શકે.








