Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ માથાના દુખાવા સમાન બન્યો છે. રખડતા પશુઓએ કેટલાય નિર્દોષ લોકોને શિંગડે ચડાવ્યાના બનાવો બન્યા જ છે. જ્યારે તાજેતરમાં રસ્તા વચ્ચે આવેલા ઢોરના કારણે નિર્દોષ બાઈક ચાલકને જિંદગીથી હાથ ધોવાનો વારો આવતા તંત્ર વધુ કડકાઇથી એક્શનમાં આવ્યું છે. શહેરનો કોઈપણ વિસ્તાર રખડતા ઢોરથી બાકાત નથી. પાલિકા તંત્ર આવા રખડતા ઢોર અને તેના ગૌપાલકો સામે કાયમી ધોરણે કાર્યવાહી કરવામાં ઉણુ ઊતર્યું છે. આમ છતાં અવારનવાર કાર્યવાહી કરતું રહે છે. વિવિધ વિસ્તારમાં ગૌપાલકો દ્વારા પોતાના પશુઓને સાચવવા ગેરકાયદે ઢોર વાડા બનાવી દેતા હોય છે. પાલિકાની દબાણ શાખાએ શહેરના નવા યાર્ડ અને સમા વિસ્તરમાં મળીને ગેરકાયદે પાંચ ઢોર વાડા તોડી પાડ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ આવા કુલ ઢોરવાડા સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ.12 હજારની વસુલાત કરી હતી. પોલીસ કાફલા સાથે કરાયેલી આ કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુએ ગૌપાલકોએ પોતાના પશુઓને સાચવવા ગેરકાયદે ઢોર વાડા બનાવી દીધા છે. સ્થાનિક લોકો કેટલાક ગૌપાલકોના કારણે કાંઈ બોલી શકતા નથી. કે પછી તેમની સામે ઢોર વાડા સામે કોઈ કાર્યવાહી કરતી વખતે ખચકાટ અનુભવતા હોય છે. ગેરકાયદે ઢોર વાડામાં રાખવામાં આવતા પશુઓને કારણે સ્થાનિક લોકોને છાણ મૂત્રની ભારે દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ ચૌહાણ કરવો પડે છે. શહેરના મોટાભાગના તમામ જાહેર કે આંતરિક રોડ રસ્તા પર રખડતા ઢોરોનો કાયમી ધોરણે ત્રાસ રહેતો હોય છે.
ગૌ પાલકો કાયમી ધોરણે સવાર સાંજ પોતાના પાલતુ ઢોરને દોહી લેવાના ઇરાદે લઈ જાય છે ત્યારબાદ બીન વારસી રીતે છુટ્ટા મૂકી દેતા હોય છે. આવા રખડતા ઢોર માટે સ્થાનિક લોકો રોડ ડિવાઇડર પર કે ગલી કૂંચી કે સોસાયટીના નાકે એંઠવાડ નાખતા હોય છે જે રખડતા ઢોર નિયમિત રીતે ખાતા હોય છે. પરિણામે શહેરના તમામ જાહેર કે આંતરિક રોડ હસ્તે આવા રખડતા ઢોર રસ્તા વચ્ચે અચાનક આવી જવાના કારણે દ્વિ ચક્રી વાહનચાલકો સહિત તમામ વાહનચાલકો સાથે અથડાતા નાના મોટા અકસ્માત સર્જાય છે. વાહનચાલકો કેટલીયવાર ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો પણ સરકારી અને પોલીસ ચોપડે નોંધાયેલા છે. પરંતુ તાજેતરમાં જ નિઝામપુરા વિસ્તારમાંથી રાત્રે પસાર થનાર બાઈક ચાલક રોડ પર અચાનક આવેલા ઢોરને સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અને બાઈક ચાલક પૂંછડીને રોડ ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામ્યો હતો. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
દરમિયાન તાત્કાલિક ધોરણે એક્શનમાં આવેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારમાં બનેલા ગેરકાયદે ઢોરવાડા સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. પરિણામે એક્શનમાં આવેલા તંત્રની દબાણ શાખા એ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવા યાર્ડ ખાતે આવેલા ગેરકાયદે ચાર વાડા પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ ઉપરાંત સમા વિસ્તારમાં પણ આવો જ અન્ય એક ગેરકાયદે ઢોર વાડો મળીને કુલ ગેરકાયદે પાંચ ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જાદવ પાર્ક સોસાયટીમાં પણ આવા છ ઢોરવાડા સામે કાનૂની કાર્યવાહી કરીને દંડનીય કાર્યવાહીથી કુલ રૂપિયા 12000 વસૂલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ રસ્તા પર રખડતા ચાર પશુને પાંજરે પુરવામાં આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા આવા અન્ય ગેર કાયદે ઢોરવાડાઓ સામે પાલિકા તંત્રની સઘન કામગીરી ચાલુ રહેવાની શક્યતા નકારી શકાતી નથી.₹
ગેરકાયદે ઢોરવાડા અને દંડ સહિત પકડેલા પશુની વિગત
નવા યાર્ડ (નિઝામપુરા) વિસ્તારના પુનિત પાર્કમાં-જીવરાજભાઈ નાથાભાઈ રબારી, ખોડાભાઈ ભીખાભાઈ રબારી સહિત ભરતભાઈ ગિરધરભાઈ રબારી પાસેથી દંડનીય કાર્યવાહી કરીને રૂપિયા 4000ની વસુલાત કરાઈ જ્યારે ભદ્રાનનગર રિલાયન્સ મોલ પાસેથી શ્રેયાંસભાઈ ગોપાલભાઈ રબારીના ઢોરવાડા સામે કાર્યવાહી અને નિઝામપુરા નવા યાર્ડની જાદવ પાર્કમાંથી લીલાબેન પ્રભાતભાઈ રબારી પાસેથી રૂપિયા 2000 અને નારણભાઈ રબારી પાસેથી રૂપિયા 2000 દંડનીય કાર્યવાહીથી વસુલ કરાયા હતા. આ ઉપરાંત નવા યાર્ડ અને જાદવ પાર્ક વિસ્તારમાંથી 2-2 પશુ મળીને ચાર પશુ પકડી પાંજરે પુરવામાં આવ્યા હતા.


