Get The App

જે મકાન આઈડેન્ટિફાય થયા છે તે તોડાયા,ડેપ્યુટી મ્યુ.કમિશનર, નાના ચંડોળાના બે હજાર ઝૂંપડા સહિત ૨૧૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા

લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે ૧૫૦ ગેરકાયદે દબાણ સહિત તળાવની એકલાખ ચોરસ મીટર જગ્યા મ્યુનિ.તંત્રે ખુલ્લી કરી

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
જે મકાન આઈડેન્ટિફાય થયા છે તે તોડાયા,ડેપ્યુટી મ્યુ.કમિશનર, નાના ચંડોળાના બે હજાર ઝૂંપડા સહિત ૨૧૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા 1 - image


અમદાવાદ,મંગળવાર,29 એપ્રિલ,2025

અમદાવાદના નાના  ચંડોળા તળાવની જગ્યામાં મંગળવારે સવારથી બે હજારથી વધુ પોલીસ જવાન, અધિકારી તથા દસ એસ.આર.પી.ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૦ ટીમોએ બંગલાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે ૧૫૦ ગેરકાયદે દબાણ સહિત ૨૧૫૦ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહયુ,જે મકાન આઈડેન્ટિફાય કરાયા હતા તે તોડવામાં આવ્યા છે.૬૦ ટકા કામગીરી પુરી કરાઈ છે. તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હજુ બે દિવસ ચાલશે એમ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સોમવારે ચંડોળા તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામના વીજ જોડાણ ટોરેન્ટ પાવર દ્વારા કાપી નાંખવામાં આવ્યા હતા. મોડી રાતથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચંડોળા તળાવની જગ્યામાં ગોઠવી દેવામાં આવ્યો હતો.મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનમાંથી બનાવેલી ૫૦ ટીમ કે જેમાં મજૂરો ઉપરાંત ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ઉપરાંત વોર્ડ ઈન્સપેકટર,સબ ઈન્સપેકટર સહિતના સ્ટાફનો સમાવેશ થતો હતો એમના દ્વારા ચંડોળા તળાવની જગ્યામાં બાંધવામાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામ તોડવાની શરુઆત કરવામાં આવી હતી.બાંધકામ તોડવાની કામગીરી શરુ કરતા અગાઉ સવારે ૬ કલાકથી જ સલામતીના કારણસર કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે વીજ સપ્લાય બંધ કરાવાયો હતો.૫૦ જે.સી.બી.તથા ૫૦ ડમ્પર સાથે બાંધકામ તોડવાની શરુઆત કરવામાં આવતા સ્થળ ઉપર મેગાડિમોલીશનની કામગીરી જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.મ્યુનિ.તંત્ર તરફથી તકેદારીના ભાગરુપે બાળકો અને મહિલાઓ માટે ડોકટરોની ટીમ સાથે સાત એમબ્યુલન્સ તથા ફાયર વિભાગની સાત ટીમ સ્થળ ઉપર હાજર રાખવામાં આવી હતી.ડીમોલીશન કામગીરીનું વીસ વિડીયોગ્રાફરની ટીમ દ્વારા રેકોર્ડિંગ  મ્યુનિસિપલ તંત્ર તરફથી કરાવવામાં આવ્યુ હતુ.ગેરકાયદેસર રીતે ચંડોળા તળાવની જગ્યામાં રહેતા બાંગલાદેશીઓની વસાહત દુર કરવા મ્યુનિ.તંત્રે ૫૦ ટ્રકની પણ વ્યવસ્થા કરી હતી.

પોલીસે આપેલી યાદી મુજબ અમલ કર્યો છે,ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

મંગળવારે ચંડોળા તળાવની જગ્યામાં વર્ષોથી ગેકાયદેસર બંધાયેલા રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામ તોડવાની કામગીરી મ્યુનિસિપલ તંત્રની ટીમો દ્વારા ચાલી રહી હતી.આ સમયે બંગાળીવાસ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થળ ઉપર ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટને વર્ષોથી વોટરબોડી ઉપર ગેરકાયદેસર બાંધકામ કેમ ના તોડાયા તેવો પ્રશ્ન મિડીયા તરફથી પુછાતા તેમણે માત્ર એટલુ જ કહયુ, આ મામલો ગેરકાયદેસર બાંધકામનો નથી.પોલીસે આપેલી યાદી મુજબ અમલ કર્યો છે.

ચંડોળા તળાવની હજુ કેટલી જગ્યા ખુલ્લી કરવાની બાકી એ બાબતને લઈ તંત્રનુ મૌન

મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના ચંડોળા તળાવની જગ્યામાં વર્ષોથી બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરુઆત કરાઈ હતી.તળાવની જગ્યા પૈકી એકલાખ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઈ હોવાના મ્યુનિ.તંત્રના દાવા પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દક્ષિણઝોન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ વિભાગનો તળાવની હજુ કેટલી જગ્યા ખુલ્લી કરવાની બાકી છે એ જાણવા પ્રયાસ કરતા તેમણે સંપર્ક કરવાનું ટાળ્યુ હતુ.

વર્ષ-૨૦૨૪માં સુપ્રિમ કોર્ટે આપેલા આદેશનો અમલ ૨૦૨૫માં કરાયો

૧૬ જુલાઈ-૨૦૨૪ના રોજ સુપ્રિમ કોર્ટે વોટર બોડીને રીસ્ટોર કરવા તથા તેની ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા દેશના તમામ રાજય અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને આદેશ આપ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ કરવાનુ વર્ષ-૨૦૨૫માં યાદ આવ્યુ છે.

Tags :