Get The App

ગેરકાયદે બંગલા,રીસોર્ટ, બે હજાર ઝૂંપડા, મ્યુનિ.તંત્રે જ ચંડોળા તળાવમાં થતાં બાંધકામોને નજરઅંદાજ કર્યા હતા

વર્ષ-૨૦૨૪માં ચંડોળા લેક ડેવલપમેન્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને રુપિયા ૨૦ કરોડનું ટેન્ડર બહાર પાડયુ હતુ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News


ગેરકાયદે બંગલા,રીસોર્ટ, બે હજાર ઝૂંપડા, મ્યુનિ.તંત્રે જ ચંડોળા તળાવમાં થતાં બાંધકામોને નજરઅંદાજ કર્યા હતા 1 - image

અમદાવાદ,મંગળવાર,29 એપ્રિલ,2025

અમદાવાદનુ ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યુ હતુ.વર્ષોથી આ તળાવમાં ગેરકાયદેસર બંગલા,રીસોર્ટ અને અંદાજે બે હજાર ઝૂંપડાના દબાણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની રહેમનજર હેઠળ ફૂલ્યાફાલ્યા હતા. સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ચંડોળા તળાવમાં થતાં  ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા.વર્ષ-૨૦૨૪માં આશરે ૧૦.૯૬ લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા ૨૦ કરોડનુ ટેન્ડર બહાર પડાયુ હતુ.એક વર્ષ પછી તળાવ ડેવલપમેન્ટની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે.કેટલા ટકા કામગીરી પુરી કરાઈ તે અંગે કોઈ બોલવા તૈયાર નથી.

દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડવા મંગળવાર સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સાત ઝોનની ટીમ   ચંડોળા તળાવ વિસ્તારમાં કામે લાગી છે.વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૧૯૯૫થી ૨૦૦૦ અને વર્ષ-૨૦૦૫થી આજદીન સુધી ભાજપ સત્તાસ્થાને છે.વર્ષ-૨૦૦૦થી ૨૦૦૫ સુધીના પાંચ વર્ષના સમયને બાદ કરતા ૨૫ વર્ષથી સત્તાસ્થાને રહેલા ભાજપને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને કયા કારણથી ચંડોળા તળાવમાં થતા ગેરકાયદેસર બાંધકામ ના  નજરે ના પડયાં?સામાન્ય નાગરિક ઉપર સત્તાનો રોફ બતાવી તેના દ્વારા થતા સામાન્ય રીપેરીંગ જેવા કામને અટકાવી દેવામાં બહાદુરી બતાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ વોર્ડ ઈન્સપેકટરને પણ ચંડોળા તળાવની જગ્યામાં દિવસે ના વધે એટલા રાતે વધે એ કહેવત મુજબ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ના દેખાયા હોય એ વાત માની શકાય એવી નથી.માર્જિનની જગ્યામાં થયેલુ બાંધકામ એસ્ટેટ વિભાગના અધિકારીના ધ્યાનમાં આવતુ હોય તો ચંડોળા તળાવની જગ્યામા તો માંડ ચાલીને બહાર નીકળી શકાય એટલી જ જગ્યા છોડીને બિંદાસ્ત ગેરકાયદેસર બાંધકામ વર્ષો સુધી થતાં આવ્યા છતાં ન તો મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ તરફથી  આ ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી થઈ હતી.ના તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢી દાયકાથી સત્તામાં રહેલા ભાજપ તરફથી કોઈ પ્રયાસ કરાયો.

ચંડોળા તળાવની સફાઈ માટે ૮૯ લાખ ફળવાયા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની સફાઈ માટે વર્ષ-૨૦૨૩-૨૪ના વર્ષમાં રુપિયા ૮૯ લાખની ફાળવણી કરાઈ હતી. ફાળવવામાં આવેલી રુપિયા ૮૯ લાખની રકમ કયાં અને કેવી રીતે ખર્ચાઈ તે અંગે બોલવાનું તંત્રના અધિકારીઓ ટાળી રહયા છે.

Tags :