જુનાગઢમાં કુખ્યાત શખ્સનો ગેરકાયદે બંગલો અને ફાર્મ હાઉસ તોડી પડાયાં
પોલીસ અને તંત્રની સંયુક્ત કાર્યવાહી રાજીવનગરમાં 28.50 લાખની અને કેન્દ્રીય સ્કૂલ પાસે પચાવી લીધેલી 8.05 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
જૂનાગઢ, : જૂનાગઢના કુખ્યાત શખ્સ તથા તેની ટોળકી સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમ્યાન તેણે સરકારી જમીન પર મકાન તથા ફાર્મહાઉસ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બાબતે રેવન્યુ વિભાગને જાણ કરી હતી. તંત્રએ નિયમ મુજબની પ્રક્રિયા કર્યા બાદ આજે આ કુખ્યાત શખ્સનો રાજીવનગરમાં આવેલો બંગલો તોડી પાડયો હતો તથા કેન્દ્રીય સ્કૂલ પાસે આવેલું રર વીઘાના ફાર્મહાઉસની દીવાલ તથા મકાન તોડી આ જમીન ખાલી કરાવી હતી. ચુસ્ત બંદોબસ્ત સાથેની આ કાર્યવાહીથી અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરના રાજીવનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત કાળા દેવરાજ રાડા તથા તેની ટોળકી સામે પોલીસ પર હુમલો, ચાર હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી સહિતના 107 જેટલા ગુના દાખલ થયા હતા. થોડા સમય પહેલા પોલીસે કાળા દેવરાજ સહિતની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન કાળા દેવરાજનું રાજીવનગરમાં આવેલું મકાન સરકારી જમીન પર બન્યાનું તેમજ બિલખા રોડ પર કેન્દ્રીય વિદ્યાલય નજીક રર વીઘા સરકારી જમીનમાં ફાર્મહાઉસ બનાવી લીધાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગેરકાયદેસર મિલ્કતના અક્ષાંશ-રેખાંશ સાથે પ્રાંત અધિકારી તેમજ કલેક્ટર કચેરી તરફ વિગતો મોકલી આપી હતી. તંત્ર દ્વારા તપાસ બાદ કલમ 61 મુજબ તેમજ ત્યારબાદ કલમ 202 મુજબ નોટિસ આપવા સહિતની પ્રક્રિયા કરવામાં આવી હતી.
તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પોલીસ, પીજીવીસીએલ, મનપા સહિતના વિભાગોના સહયોગથી વહીવટી તંત્રએ રાજીવનગરમાં આવેલો કાળા દેવરાજનો અંદાજે 28.50 લાખની કિંમતની જમીન પર બનેલો બંગલો તોડી પાડયો હતો. આ ઉપરાંત બિલખા રોડ પર કેન્દ્રીય વિદ્યાલય નજીક ખાણમાંથી પથ્થર કાઢી જમીન સમથળ કરી અંદાજે 22 વિઘા સરકારી જમીન પર ફાર્મહાઉસ બનાવી નાખ્યું હતું. વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જમીનની દીવાલો, ત્યાં રહેલા મકાન તોડી જંત્રી મુજબ 8.05 કરોડની કિંમતની સરકારી જમીન ખાલી કરાવી પોતાના હસ્તક લીધી હતી. અત્રે નોંધનીય છે કે, કાળા દેવરાજ સહિતની ટોળકી લાંબા સમયથી ગુનાઓ આચરે છે. તેણે સરકારી જમીન પચાવી તેના પર બંગલો તથા ફાર્મહાઉસ બનાવી લીધા હતા