24 કલાક આપુ છું, પૈસા આપીદેજે નહીતર તને જાનથી મારી નાખીશ
વ્યાજખોરોએ ધમકી આપતા વેપારી દુકાનમાં ઝેર પીધું : વેપારીએ 5 વ્યાજખોરો પાસેથી અલગ અલગ વ્યાજે રૂા. 8.10 લાખ લીધા બાદ ધમકી આપી પરેશાન કરતા હતા
રાજકોટ, : જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતાં અને જંકશન મેઈન રોડ પર શક્તિ મોબાઈલ નામે દુકાન ચલાવતાં ભાવીન ઘનશ્યામભાઈ ધરમાણી (ઉ.વ. 23) એ અલગ અલગ દરે વ્યાજે લીધેલા રૂા 8.10 લાખના મુદ્દે 5 વ્યાજખોરોએ ગાળો દઈ પઠાણી ઉઘરાણી કરી પરેશાન જાનથી મારી નાખવાની ધમકી આપતા દુકાનમાં ઝેરી દવા લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે પ્ર.નગર પોલીસે ભાવીન ધરમાણી ઉ.વ.૨૩ ની ફરીયાદ પરથી ધર્મેશ ગૌસ્વામી, સદામ દલવાણી, કિર્તીરાજ, હરેશ પારવાણી અને સલમાન વીકીયાણી સામે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ દલીલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં. ભાવીને પોલીસને જણાવ્યું કે, તેણે ચાલીસ દિવસ પહેલા આરોપી ધર્મેશ પાસેથી ડાયરી વ્યાજે મિત્ર વરૂણ ્ને મોહિતના નામે 50 - 50,000 અને આકાશના નામે 40,000 અને પોતાના નામે 50,000 મળી રૂા 1.90 લાખ લીધા હતાં, પોતાના નામે લીધેલી રકમનો રોજનો રૂા 1,000નો હપ્તો ભરવાનો હતો. તે પહેલા અઢી માસ અગાઉ આરોપી સદામ દલવાણી પાસેથી મીત્રો અને પોતાના નામે મળી કુલ રૂા 1.70 લાખ 10 ટકા વ્યાજે લીધા હતાં. જયારે કિર્તીરાજ પાસેથી સાતેક માસ પહેલા 10 ટકા વ્યાજે 2 લાખ લીધા હતાં. હરેશ પારવાણી પાસેથી ચારેક માસ પહેલા રૂા 1.50 લાખ ડાયરી વ્યાજ પેટે લીધા હતાં. જેમાંથી તેને રૂા 50,000 ચુકવી દીધા હતાં. જયારે આરોપી સલમાન પાસેથી તેના અને તેના મિત્રના નામે રૂા 1 લાખ લીધા હતાં. જેમાંથી તેણે 60,000 ચુકવી દીધા હતાં. આરોપીઓ વારંવાર ફોન પર અને રૂબરૂ ગાળો દઈ ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી પરેશાન કરતા હતાં. જયારે ધર્મેશ તેને ગઈકાલે સાંજે તેની પાસે જઈ તને 24 કલાક આપુ છું, મારા તમામ પૈસા આપી દેજે. નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એટલુ જ નહી તેની કાર પણલઈ જતા કંટાળી દુકાનમાં ઝેરી દવા પી લીધી હતી.