ચાકુ બતાવી તમારી દીકરી મારી સાથે લગ્ન નહી કરે તો બધાને મારી નાંખીશ
કઠવાડામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો ઘરમાં જઇ પરિવારજનો ઉપર હુમલો
નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,શુક્રવાર
કઠવાડામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરમાં ઘૂસીને સગીરાના કપડાં ફાડયા હતા અને પરિવારજનો સાથે મારા મારી કરીને ચાકુ બતાવીને ધમકી આપી હતી કે તમારી દિકરી મારી સાથે લગ્ન નહી કરે તો તમામને મારી નાંખીશ. આ બનાવ અંગે નિકોલ પોલીસે પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માતાએ ઠપકો આપતાં યુવક પીછો કરીને વાતચીત કરવા દબાણ કરતો ઃ ઘાતક હુમલો કરતા નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કઠવાડામાં રહેતી મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં નજીકની સોસાયટીમાં રહેતા યુવક સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલા તેમની સગીરની પુત્રી સાથે એક યુવક સંપર્કમાં આવ્યા બાદ બન્ને વાતોચીતો કરતા હતા. જેની જાણ ફરિયાદી મહિલાને થતા સગીરાને સમજાવતા તેને યુવક સાથે વાત કરવાનું બંધ કર્યું હતું જેથી સગીરા સ્કૂલે જાય ત્યારે વાત કરવા દબાણ કરતો હતો અને હેરાન કરતો હતો. જેને લઇને ફરિયાદી મહિલાએ યુવકના માતા-પિતાને વાત કરીને તેને સમજાવવા કહ્યું હતું.
તા. ૯ના રોજ મહિલા અને તેની પુત્રી ઘરે હતા તે સમયે યુવક સહિત પરિવારના સભ્યો મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તકરાર કરીને સગીરાના કપડાં ફાડીને મારા મારી કરી હતી.બુમાબુમ થતાં આસપાસના લોકો આવીને છોડાવ્યા હતા. જતા જતા યુવકે ચાકુ બતાવીને ધમકી આપી હતી કે તમારી દિકરી મારી સાથે લગ્ન નહી કરે તો બધાને જાનથી મારી નાખીશ અને જેલમાં પુરાવી દઇશ.